સુરતઃ શહેરમાં પાલ RTO નજીક બાઈક પર પસાર થતા બે પિતરાઈ ભાઈને પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે અડફેટે લેતાં મ્યુનિના અધિકારીના એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે પિતરાઈ ભાઈને ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. યુવક હવામાં ફગોળાઈને જમીન પર પટકાયા બાદ મોત નીપજવાના પ્રકરણમાં સીસીટીવી સામે આવ્યા છે. એટલું જ નહીં, પણ ઘટનાના 60 કલાક બાદ પણ પોલીસ કારચાલકને પકડી શકી નથી. રાત્રે બનેલી આ ઘટનામાં જરીવાળા પરિવારનો એકનો એક પુત્ર કાળનો કોળિયો બન્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના પાલ અડાજણ શારદા રો-હાઉસ ખાતે રહેતા 28 વર્ષીય ભાવેશ પ્રમોદચંદ્ર જરીવાલા પ્રાઈવેટ બેંકમાં નોકરી કરતો હતો. ભાવેશના પિતા મ્યુનિમાં ઉધના ઝોનમાં અધિકારી છે, જ્યારે માતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવે છે. મૃતક ભાવેશના પિતા પ્રમોદભાઈ જરીવાલાએ જણાવ્યું હતું કે 28 વર્ષના પુત્રને હૃદય પર પથ્થર મૂકી કાંધ આપી છે. તેના લગ્નનાં સ્વપ્ન જોતાં હતાં, એ હવે એક સ્વપ્ન જ બની ગયું, ખબર નહીં વિધાતા આટલો બધો નિષ્ઠુર કઈ રીતે બની શકે. હજી હૃદય માનવા તૈયાર નથી કે ભાવેશ પરિવારને જ નહીં, દુનિયા છોડી ગયો છે. સવાર અને સાંજ પડે એટલે મોઢામાંથી એકવાર તો ભાવેશ આવ્યો કે નહીં એ નીકળી જ જાય છે. પરિવાર તેમનાં જ આંસુઓમાં ડૂબી રહ્યો છે. છોકરો તો અમે ગુમાવ્યો છે, કારચાલકનું ક્યાં કંઈ ગયું છે, પણ અમે તેને સજા અપાવીશું, ન્યાય માટે કોર્ટનાં દ્વાર ખખડાવીશું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં કિમથી આવેલા પિતરાઈ ભાઈ સાથે ઘરકામનો થાક ઉતારવા ભાવેશ બાઇક લઈ ફરવા નીકળ્યો હતો. અમને ક્યાં ખબર હતી કે આ તેની છેલ્લી સફર રહેશે. પાલ અન્નપૂર્ણા મંદિર નજીક વળાંકમાં જ એક બેફામ દોડતી કારે બાઇકને અડફેટે લેતાં પાછળ બેસેલો ભાવેશ હવામાં ફગોળાઈ ગયો હતો. બાઇકચાલક અક્ષય જમીન પર પછડાયો હતો અને ભાવેશનું ઘટનાસ્થળે જ માથામાં ઇજા થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે અક્ષયને સામાન્ય ઇજા બાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
તેમણે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત બાઇકચાલક અક્ષયના પોલીસે નિવેદન પણ લઈ ગઈ છે. ઘટનાને 60 કલાકથી વધુનો સમય વીતી ગયો છે. સીસીટીવીમાં બાઇકને અડફેટે લેતી કાર દેખાય છે અને સંજીવ કુમાર ઓડિટોરિયમ તરફ ભાગતી પણ દેખાય છે. તમામ પ્રકારના પુરાવા પોલીસને આપ્યા છે છતાં પોલીસ એમ જ કહે છે તપાસ ચાલી રહી છે. 60 કલાકથી કારચાલક પકડાતો નથી કે પકડવામાં આવતો નથી. ભાવેશ માતા-પિતાનો એકનો એક દીકરો હતો. જે દીકરો રોજ બે હાથ જોડી પગે લાગી બહાર નીકળતો તેને આજે અમે બે હાથ જોડી પાર્થના કરવા મજબૂર બન્યા છે. અમને મળેલાં આઘાત અને દર્દની દવા માત્ર ન્યાય છે. પોલીસ કારચાલકને પકડે અને કડકમાં કડક સજા અપાવે કે એક ઉદાહરણ બને અને બીજા કોઈ માતા-પિતાનો વૃધાવસ્થાની લાકડીને તૂટતા બચાવી શકાય.