Site icon Revoi.in

સુરતમાં રિક્ષા ભાડાંમાં રૂપિયા 5નો વધારો કરી દેતા વિરોધ, અંતે રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા

Social Share

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં રિક્ષાચાલકોએ પોતાની રીતે જ રિક્ષાભાડાંમાં રૂપિયા 5નો વધારો કરી દેતા પ્રવાસીઓ અને રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટ થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બીજીબાજુ રિક્ષાચાલકો હડતાળ પર ઉતરી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

સુરતના ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખાતા પાંડેસરા વિસ્તારમાં આજે ગુરૂવારે રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા હતા. સમયાંતરે સીએનજીના ભાવમાં બે વખત વધારો થતાં હાલના ભાડાં પરવડતા નથી, એવું કહીને રિક્ષાચાલકોએ ભાડામાં 5 રૂપિયાનો વધારો કર્યો છે. આ મુદ્દે મુસાફરો અને રિક્ષાચાલકો વચ્ચે થયેલી રકઝક બાદ રિક્ષાચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા. આ વિસ્તારમાંથી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જતા વિદ્યાર્થીઓ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી સંખ્યામાં મુસાફરો રસ્તા પર જોવા મળ્યાં હતા. પેસેન્જર અને રિક્ષાચાલકો વચ્ચે વિવાદ સર્જાતા પોલીસ પીસીઆર વેન પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સુરત શહેરના પાંડેસરા વિસ્તાર ખાતે આજે ગુરૂવારે રિક્ષાચાલકો દ્વારા રિક્ષાના ભાડામાં રૂપિયા પાંચનો વધારો કરાતા પેસેન્જર અને રિક્ષાચાલકો વચ્ચે વિવાદની સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરોએ રિક્ષાચાલકોને કહ્યું કે, જો તમે ભાડામાં રૂ.5નો વધારો કરો છો તો રિક્ષામાં વધુ મુસાફરોને બેસાડશો નહીં. અગાઉના ભાડામાં 7 મુસાફરોને રિક્ષામાં બેસાડતા હતાં, જો પેસેન્જર દીઠ ભાડામાં રૂ. 5નો વધારો કરવામાં આવે તો રિક્ષામાં માત્ર ત્રણ મુસાફરો જ બેસાડવાનો આગ્રહ પ્રવાસીઓ રાખી રહ્યા છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં રિક્ષાચાલકો હડતાળથી સ્કૂલ-કોલેજ સહિત નોકરીએ જતા લોકો અટવાયા હતાં. મોટી સંખ્યામાં પેસેન્જરનો રોડ પર જમાવડો જોવા મળ્યો હતો. રિક્ષાચાલકો હડતાળ પર ઉતરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ વિવાદ વધતા પોલીસ પીસીઆર વાન પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઘરકામ કરવા માટે મહિલાઓ અન્ય વિસ્તારમાં જતી હોય છે. એક રિક્ષામાં છથી સાત મહિલાઓ બેસીને ઘરકામ કરવા માટે વેસુ અલ્થાન, સિટી લાઈટ, ઘોડદોડ રોડ સહિતના વિસ્તારોમાં જાય છે. રોજે એક રિક્ષાથી આ મહિલાઓ જે તે વિસ્તારમાં જતી હોય છે, પરંતુ અચાનક જ રિક્ષાના ભાડામાં પ્રતિ પેસેન્જર પાંચ રૂપિયાનો વધારો થતા તેઓને હાલાકી થઈ રહી છે. રોજ એક મહિલાને રૂ.10થી વધુ ભાડું આપવું પડશે, જેથી મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ હતી અને વિરોધ નોંધાવ્યો હતો.