Site icon Revoi.in

સુરતમાં CGSTના બે અધિકારી સહિત ત્રણ વ્યક્તિઓ 15 હજારની લાંચ લેતા પકડાયા

Social Share

સુરતઃ ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓમાં પણ હવે લાંચ લેવાના બનાવો વધતા જાય છે. તાજેતરમાં ગાંધીનગરમાં જમીન માપણી અધિકારી લાંચ લેતા પકડાયા બાદ સુરતમાં સ્ટેટ જીએસટીના બે અધિકારી સહિત ત્રણને રૂપિયા 15 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ પકડી પાડ્યા હતા. સુરત શહેરમાં યાર્નનો વેપાર કરતા વેપારીની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવીને CGST અને સેન્ટ્રલ એકસાઇઝ નાનપુર સુરત ખાતે ફરજ બજાવતા સુપ્રિટેન્ડેન્ટ અને ઇન્સ્પેક્ટર સહિત ત્રણને એસીબીએ 15 હજારની લાંચ લેતા પકડી પાડ્યા હતા. યાર્નના વેપારીને ધંધો શંકાસ્પદ હોવાનું કહીં 20 હજારની લાંચ માંગી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં રહેતા ફરિયાદી કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલી દુકાનમાં અન્ય ભાગીદારો સાથે ભાગીદારી પેઢી બનાવી યાર્નનો વેપાર કરે છે. આ ભાગીદારી પેઢીમાં સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓ સુપ્રિટેન્ડન્ટ જસ્ટિન માસ્ટર તેમજ ઇસ્પેક્ટર આશિષ ગેહલાવત દુકાનની વિઝિટ માટે ગયા હતા અને દસ્તાવેજી પુરાવા માગ્યા હતા. બંને CGSTના અધિકારીઓએ ફરિયાદીની ભાગીદારી પેઢીમાં કોઈ ડિસ્પ્લે કે બેનર લગાવેલા નથી તેમજ ફરિયાદીના ધંધા અંગે રજુ કરેલા પુરાવાઓને ધ્યાનમાં લઇ ફરિયાદી અત્યાર સુધી 38 લાખનો ધંધો કર્યો છે પરંતુ ધંધાના પુરાવા દુકાનમાં દેખાતા નથી અને ધંધો શંકાસ્પદ હોવાનું ફરિયાદીને જણાવી કાયદેસરની કાર્યવાહી કરવાનું કહી પેનલ્ટીની વાત કરી હતી. પ્રથમ 20000 રૂપિયાની લાંચની માગણી કરી હતી અને ત્યારબાદ ફરિયાદીના ભાઈના સીએની ઓફિસમાં વેરીફીકેશન અંગેના પંચનામાની કાર્યવાહી કરવા બંને આરોપીએ રકઝકના અંતે ફરિયાદી પાસે 15 હજારની માગણી કરી હતી.

લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીએ છટકાનું આયોજન કર્યું હતું. જસ્ટીન કાંતિલાલ માસ્ટર અને આશિષ રણવીરસિંહ ગેહલાવત બંને લાંચિયા અધિકારીઓને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર લાંચ પ્રકરણમાં એક ખાનગી વ્યક્તિ જીમ્મી વિજયકુમાર સોની પણ સામેલ હતો તેને લઈને એસીબીએ ત્રણ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.