- જાહેર રોડ પર એક ડ્રાઈવર સળિયો લઈને બીજા પાછળ પડ્યો,
- લોકોએ જાહેરમાં મારામારી કરી રહેલા બે ડ્રાઈવરોનો વિડિયો ઉતાર્યો,
- મ્યુનિ.કોર્પોરેશને બન્ને ડ્રાઈવરોને સસ્પેન્ડ કર્યા
સુરતઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત સિટી લિંકના બે બસના ડ્રાઈવરો ઓવરટેક કરવાના મુદ્દે છૂટ્ટા હાથની મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. જાહેર રોડ પર બન્ને ડ્રાઈવરો મારામારી કરતા હોવાનો વીડિયો જાગૃત નાગરિકે ઉતારી લીધા પછી મ્યુનિ.કોર્પોરેશન સુધી પહોંચાડતા બંને ચાલકોને સસ્પેન્ડ કરી દીધા હતા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના વરાછા રોડ ઉપર સિટી બસના ચાલકે ઓવરટેક કરવા આગળ જતી સિટી બસનો ચાલક સાઈડ આપે તે માટે સતત હોર્ન માર્યા હતા. સતત હોર્ન મારતા આગળ જતી સિટી બસનો ડ્રાઈવર ગુસ્સે ભરાયો હતો. દરમિયાન વરાછા રોડ પર સુપર સ્ટોર સામે જ બંને બસ ચાલકો રોડ ઉપર બસ ઊભી રાખીને બાખડી પડ્યા હતા. એક બસ ચાલકે પાછળથી હોર્ન મારી રહેલાં ચાલકને બે તમાચા માર્યા હતા. જ્યારે માર ખાધા પછી તે ડ્રાઇવર પણ બસની કેબીનમાંથી સળિયો ખેંચી હુમલાખોર ડ્રાઇવરને મારવા તેની પાછળ દોડ્યો હતો. જોકે હાથમાં સળિયો લઇ ઉતરેલા ચાલકને જોઇ અન્ય ડ્રાઇવર બસ ચાલુ કરી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર માથાકૂટનો વીડિયો સોશ્યલ મીડિયા ઉપર ફરતાં-ફરતાં મ્યુનિના અધિકારી સુધી પહોંચી ગયો હતો. જેને પગલે તાત્કાલિક બસ ચાલકોને આઇડેન્ટિફાઇ કરી કાર્યવાહી કરવાના આદેશ અપાયા હતા. આ અંગે સિટી લિંક વિભાગે જણાવ્યું કે, ઓવરટેક લેવા માટે માથાકૂટ કરનારા બંને ડ્રાઇવરોને ઠપકો આપી સસ્પેન્ડ કરાયા હતા. આ સાથે જ એજન્સી પાસે ખુલાસો પણ મંગાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.