અમદાવાદઃ સુરત રેલવે સ્ટેશન પર ઓરિસ્સાથી પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં માદક પદાર્થના જથ્થા સાથે બે ડ્રગ્સ પેડલરો વડોદરા રેન્જના એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતા. આશરે 42 કિલોથી વધુ ગાંજાનો જથ્થો સેકન્ડ એસીના કોચમાંથી પકડાયો હતો. પોલીસે ગાંજા સાથે પકડાયેલા બંને પેડલરોના રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રેલવેમાં માદક પદાર્થ કે અન્ય ભારતીય બનાવટનો દારૂ ગુજરાતમાં આવતો અટકાવવા માટે રેલવે સધન તપાસ શરૂ કરી છે. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ઓરિસ્સા પુરીથી ગાંધીધામ જતી ટ્રેનના સેકન્ડ એસી એ ટુમાં ગાંજાની હેરાફેરી થઈ રહી છે અને બે યુવકો દ્વારા આ જથ્થો સુરત તરફ લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે એસોજીના કર્મચારીઓએ માદક પદાર્થ જથ્થા સાથે ડ્રગ્સ પેડલરો ઝડપી પાડ્યા હતા. પોલીસે તેની પાસેથી 42 કિલો વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની આશરે કિંમત 4 લાખથી વધુ હોવાનું જાણવા મળે છે.
પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને બંને પેડલરોની ધરપકડ કરી હતી. તેમજ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થો ઓરિસ્સામાંથી કોને આપ્યો અને સુરતમાં કોને આપવાનો હતો, તે દિશામાં એસઓજીની ટીમે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ વેગવંતી બનાવી છે. પોલીસની તપાસમાં અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાવાની શકયતા છે. તેમજ નશાના કાળા કારોબારને નાથવા માટે અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે.