સુરતઃ શહેર નજીક આવેલા ચલથાણમાં પૂરફાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં પસાર થતી નહેરમાં ખાબકી હતી. અંક્લેશ્વરથી દમણ જઈ રહેલા પરિવારની કાર ચલથાણમાં મહાદેવ હોટલની નજીક નહેરમાં ખાબકી હતી. સોમવારની મધરાતે સર્જાયેલી દુર્ઘટના બાદ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડ સહિત સ્થાનિક લોકોએ પોણાબે કલાક પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કારમાં ફસાયેલા પાંચ લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ચલથાણ મહાદેવ હોટલની પાસે નહેરમાં એક સ્વિફ્ટ કાર ખાબકી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં ડિંડોલી ફાયર સ્ટેશનના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતા, જેમણે પાણીમાં પડેલી કાર માં ફસાયેલી એક જ પરિવારની ત્રણ મહિલા સહિત પાંચ લોકોને બહાર કાઢ્યા હતા. તપાસમાં ખાન પરિવાર અંકલેશ્વરથી દમણ જઇ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરતના ચલથાણા મહાદેવ પાસે નહેરમાં ખાબકેલી કારમાંથી બહાર નિકળીને રાત્રે લગભગ 1:45 કલાક સુધી આખો પરિવાર મોઢું પાણી ઉપર કરીને બચાવો બચાવોની બુમો પાડતો હતો, બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. અને એક-એક કરીને જે રીતે નહેરના પાણીના વહેણમાંથી આખા પરિવારને બહાર કાઢ્યો એ તો જાણે કોઈ ફિલ્મનો હીરો શોર્ટ આપતો હોય એવાં દૃશ્યો હતાં.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, હતું કે નહેરમાં કાર પડી તેના નજીકમાં એક હોમગાર્ડ ફરજ બવાવતો હતો. એક રાહદારી દોડીને તેને બોલાવવા આવ્યો હતો. અને કહ્યું હતું કે, એક કાર ધડાકા સાથે નહેરમાં ખાબકી છે. મુસાફરોમાં બાળકો અને મહિલાઓ ચિચિયારી પાડી રહ્યાં છે. આથી ફાયર અને પોલીસને જાણ કર્યા બાદ લોકોની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારમાંથી બહાર કાઢ્યા બાદ પાણીના વધુ પડતા વહેણમાં તણાય જવાનો લોકોને ડર પણ લાગતો હતો, એટલે ફાયરની રાહ જોઈ અને ફાયર આવ્યા બાદ પાણીમાંથી પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા.