Site icon Revoi.in

સુરતના કાપડ માર્કેટમાં ઘરાકી માટે અચ્છેદિનના એંધાણ, તહેવારો પહેલા ઓર્ડર મળવા લાગ્યાં

Social Share

સુરતઃ શહેરમાં કાપડ માર્કેટમાં છેલ્લા બે વર્ષથી મંદી ચાલી રહી છે. કોરોનાને લીધે છેલ્લાં બે વર્ષથી કાપડ માર્કેટમાં તહેવારોની સિઝન સદંતર નિષ્ફળ નીવડી હતી.ગત વર્ષે માર્ચ માસમાં કોરોનાની બીજી લહેરને લીધે તહેવારોની સિઝનને માઠી અસર પહોંચી હતી. આ વર્ષે મહામારી નિયંત્રણમાં આવી છે પરંતુ વૈશ્વિક સમીકરણો પ્રતિકૂળ હોવાથી ઉનાળાની સિઝન દરમિયાનની લગ્નસરાની ખરીદી અપેક્ષા પ્રમાણે થઇ ન હતી. ત્યારે હવે સુરતના કાપડ માર્કેટના અચ્છેદિન આવી રહ્યા હોવાના એંધાણ મળી રહ્યા છે. બહારના રાજ્યના વેપારીઓની ખરીદી માટે પૂછપરછ શરૂ થઈ ગઈ છે. અને નવા ઓર્ડર પણ મળવા લાગ્યા છે. આમ કાપડ માર્કેટમાં ઘરાકીનો કરંટ જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ પ્રતિદિન ચાર કરોડ મીટર કાપડ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. પરંતુ વૈશ્વિક મંદી અને રીટેઇલમાં ઘરાકીના અભાવે હાલમાં રોજનું ત્રણ કરોડ મીટરની આસપાસ કાપડનું ઉત્પાદન થઇ રહ્યું છે. તેમજ એવા અનેક દિવસોમાં અઢી કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે.
માર્ચથી જૂન દરમિયાનની લગ્નસરાની સીઝન સારી જવાની ધારણા વચ્ચે અપેક્ષા મુજબ રીટેઇલમાં વેચાણ થયું ન હોવાથી વેપારીઓએ મીલ માલિકોને ડાઇંગ અને પ્રોસેસીંગનાં જે પ્રોગ્રામ આપવા જોઇએ તે આપ્યા ન હતા. ટેક્સટાઇલ મીલોમાં જ ઉત્પાદન કાપ મૂકાયો હતો તો ઘણા વિવર્સે પણ એક પાળીમાં કામકાજ કર્યું હતું. હજુ પણ સ્થિતિ થાળે પડી નથી. પરંતુ હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢી બીજથી શરૂ થતાં તહેવારોને લઇને રીટેઇલમાં ઘરાકી વધી રહી છે. સારા વરસાદની અપેક્ષાએ સારા વેપારનો આશાવાદ છે. મુંબઈ, બેગ્લોર, કોલકાત્તા, દિલ્હી, અને દક્ષિણના રાજ્યમાંથી પણ કાપડની ખરીદી માટેની પૂછપરછ શરૂ થઈ છે. અને ઓર્ડર પણ મળવા લાગ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રીટેઇલમાં ઘરાકી ઘટવાનું એક કારણ એ હતું કે, કાચામાલમાં બેફામ ભાવવધારો થતાં. વેપારીઓએ તૈયાર સાડી અને ડ્રેસ મટીરીયલ્સના ભાવમાં પણ 10 થી 25 ટકા સુધીનો વધારો કર્યો હતો. જેના લીધે ખરીદદારો ખપ પૂરતી ખરીદી કરતા હતા, જોકે હવે તહેવારો નજીક આવતા ફરીવાર અચ્છેદિનના એંધાણ મળી રહ્યા છે.