સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ચાલુ વર્ષે કાળઝાળ ગરમી પડી રહી છે. વધતી જતી ગરમીને કારણે રોગચાળો પણ વકર્યો છે. સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં ઝાડા-ઉલટી સહિતના 400 જેટલા કેસ નોંધાયા છે. આ આંકડો એક જ હોસ્પિટલનો છે. ખાનગી સહિતની અન્ય હોસ્પિટલોમાં દર્દીઓનો આંકડો ચિંતાજનક હોવાનું જાણવા મળે છે. લોકોને ગરમીથી બચવા બપોરના સમયે કામ વિના બહાર ન નિકળવા તેમજ વધુ પાણી પીવા જણાવાયું છે. સુરેન્દ્રનગર જ નહીં વઢવાણ અને જોરાવરનગરમાં પણ ઝાડા-ઊલટીના કેસ જોવા મળી રહ્યા છે.
સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં ઝાડા, ઉલટી સહિતના 400 જેટલા કેસ નોંધાયા છે. અન્ય હોસ્પિટલોમાં પણ ઝાડા-ઉલટી, ચક્કર આવવા, પેટમાં દુ:ખાવો જેવી ફરિયાદો સાથેના કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં શનિવારે 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે શુક્રવાર કરતા 0.7 ડિગ્રી ઓછુ હતું. તેમ છતા આકાશમાંથી અગનગોળા ફેકતા હોય તેવો તાપ પડી રહ્યો છે. નોંધનીય છે કે, ગયા વર્ષે 26 એપ્રિલ 2021નાં રોજ 43.3 ડિગ્રી સાથે હોટેસ્ટ દિવસ હતો. જ્યારે ચાલુ વર્ષે 8 એપ્રિલ 2022ના રોજ 44.5 ડિગ્રી તાપમાન સાથે હોટેસ્ટ દિવસ અનુભવાયો હતો.
ઝાલાવાડ પંથકમાં છેલ્લા અઠવાડિયાથી અંગ દઝાડતી ગરમ લૂં સાથે હિટવેવનું વાતાવરણ અનુભવાઈ રહ્યુ છે. છેલ્લા અઠવાડિયામાં 42 ડિગ્રીથી ઉપર જ તાપમાન રહ્યુ છે. પરિણામે લોકો આકુળ વ્યાકુળ બની જાય છે. સવારનાં 11 વાગ્યાથી જ ગરમ હવા સાથે લુ લાગવાની શરૂઆત થઈ જાય છે. સાંજનાં 6 વાગ્યા સુધી મોટાભાગનાં રસ્તાઓ સુમસામ થઈ જાય છે. શુક્રવારે 43.8 ડિગ્રી તાપમાન રહ્યા બાદ શનિવારે 43.1 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. મતલબ કે, તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. કાળઝાળ ગરમીને કારણે સનસ્ટ્રોક, ઝાડા-ઉલટીનાં કેસો વધી રહ્યા છે. સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં 400 જેટલા કેસ નોંધાયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ હિટવેવની પરિસ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. અને તાપમાનનો પારો હજુ વધુ ઉંચકાય તેવી પણ શક્યતા છે. તેથી લોકોએ આવી કાળઝાળ ગરમીમાં લૂ, સનસ્ટ્રોકથી બચવા શક્ય હોય ત્યાં સુધી તડકામાં બહાર ન નીકળવું જોઈએ. આખુ શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા જોઈએ, છાશ, પાણી અને શરબત જેવા પ્રવાહીનો વધુ ઉપયોગ કરવો જોઈએ.