સુરેન્દ્રનગરમાં સફાઈ કામદારોએ કર્યો ચક્કાજામ, કલેક્ટરની કાર રોકીને સૂત્રોચ્ચાર કરાયો
સુરેન્દ્રનગરઃ શહેરના નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. નગરપાલિકામાં 300 જેટલા સફાઈ કામદારો કામ કરી રહ્યા છે. જેમાં મોટા ભાગના કર્મચારીઓ રોજમદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેને કાયમી કરવા સહિત અન્ય લાભો આપવાની માગણા સાથે આંદોલન કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી સંઘની રજૂઆત બાદ પણ પ્રશ્નો ન ઉકેલાતા સફાઈ કામદારો નગર પાલિકા કચેરી પાસે પ્રતિક ધરણા પર ઉતર્યા છે. ત્યારે ધરણાના ચોથા દિવસે પણ કોઇ ઉકેલ ન આવતા સફાઈ કામદારોએ કલેક્ટર કચેરી પાસે રસ્તો ચક્કાજામ કરી કલેક્ટરની કાર રોકતા પોલીસ દોડી ગઇ હતી.
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત પાલિકામાં 150 કાયમી અને 300થી વધુ સફાઇ કામદારો કામ કરે છે. તેમને વિવિધ પ્રશ્ને સમસ્યા હોવાથી કર્મચારીઓ અને ગુજરાત રાજ્યક કર્મચારી સંઘે રજૂઆત કરી હતી. અગાઉ પાલિકામાં સફાઇ કામદારોને ખાલી જગ્યાઓ પર કાયમી કરવા ખાતરી આપવામાં આવી હતી છતાંયે સફાઈ કામદારોને કાયમી કરાયા નથી, સફાઈ કામદારોની માગણીઓ એવી છે કે, તેમને ગ્રેજ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ, નિયમિત પગાર, ઇપીએફની રકમ કપાત, કરવામાં આવે, તેમજ પાર્ટ ટાઇમ સફાઇ કામદારોને બપોરે કામ કરવા બોલાવાય છે અને છૂટા કરવાની ધમકી, છૂટા કરાયેલા સફાઇ કામદારોને પરત કામે લેવા, તથા તેમને લઘુતમ વેતન મુજબ પગાર ચૂકવવા તથા સફાઇ કામદરોને સફાઇ માટે જરૂરી સાધનો પૂરા પાડવા સહિત પ્રશ્નો વણ ઉકલ્યા છે. આથી ગત સોમવારથી મયુરભાઇ પાટડીયા સહિત આગેવાનો અને સફાઇ કામદારો નગરપાલિકા કચેરી બહાર પ્રતિક ધરણા પર છે. ત્યારે ગુરૂવાર સુધી કોઇ મળવા ન આવતા રોષે ભરાયેલા સફાઇ કામદારોએ કલેક્ટર કચેરી પાસે ચક્કાજામ કર્યો હતો. સફાઈ કામદારોએ કલેક્ટરની કાર રોકી સૂત્રોચ્ચાર કર્યો હતો. અને સફાઈ કામદારોનાં પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યુ તેવી રજૂઆત કરી હતી. આ બનાવને લઇ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યારે સફાઇ કર્મચારીઓએ સોમવારથી શહેરની સફાઈ બંધ કરવામાં આવશે એવી ચીમકી આપી હતી.