સુરેન્દ્રનગરઃ શહેર અને જિલ્લામાં બેઋતુને લીધે વાયરલ બીમારીના કેસ વધતા જાય છે. શહેરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં તાવ અને વાયરલ બિમારીનો શિકાર બનેલા બાળકોના દરરોજ 100 જેટલા કેસ આવી રહ્યા છે. જ્યારે ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલોમાં દરરોજ અંદાજે 200 કેસ આવતા હોવાનું કહેવાય છે. ઋતુ પરિવર્તન થતા આ રોગચાળો વકર્યો હોવાનું માનવામાં આવે છે. નગરપાલિકા દ્વારા શહેરમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરીને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ વરસાદી પાણીના ખાબોચીયા ભરાયા હોય ત્યાં પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં હાલ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુને કારણે બાળકોમાં તાવ અને વાયરલ, ઉધરસ અને કફ જેવી બિમારીના કેસો વધતા ચિંતાની લાગણી ફેલાઇ છે. તબીબોના કહેવા મુજબ હાલના વરસાદી-ભેજવાળા વાતાવરણમાં ઠંડકને કારણે તાવ અને કફ-ઉધરસ જેવી વાયરલ બિમારીનો બાળકો શિકાર બની રહ્યા છે. આવા લક્ષણોવાળા બાળકોને નાસ(નેબ્યુલાઈઝર) લેવડાવવો જોઈએ તથા બજારના જંક ફુડથી દુર રાખવા જોઈએ એટલુ જ નહીં તાવ-કફ ઉધરસના લક્ષણોવાળા બાળકોને શાળાએ મોકલવાનો આગ્રહ વાલીઓએ રાખવો જોઈએ નહીં. નાના નાના બાળકો પણ રોગચાળાનો ભોગ બની રહ્યા છે, સુરેન્દ્રનગર શહેરના સરકારી તેમજ ખાનગી દવાખાનામાં વહેલી સવારથી જ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. માત્ર સુરેન્દ્રનગર શહેર જ નહીં પણ તમામ તાલુકામાં રોગચાળાએ માથું ઊંચક્યું હોય તેવા સંકેતો હાલમાં વર્તાઈ રહ્યા છે.