સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય આંદોલન ભાજપને હરાવી ન શક્યુ પણ લીડ ઘટાડવામાં સફળ રહ્યું
સુરેન્દ્રનગરઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગરની બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનો 261617 મતોની લીડથી વિજ્ય થયો છે. આ બેઠક પર ભાજપના ચંદુભાઈ શિહોરાને 669749 મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઋત્વિક મકવાણાને 408132 મતો મળ્યા હતા. ક્ષત્રિય આંદોલનને કારણે ઝાલાવાડની આ બેઠક પર રસાકસીભર્યો જંગ બન્યો હતો. ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપતા ભાજપના સ્થાનિક આગેવાનો પણ નારાજ હતા. ચૂંદુભાઈ ચૂંવાળિયા કોળી સમાજના છે. જ્યારે સુરેન્દ્રનગરની બેઠક પર તળપદા કોળી સમાજના મતદારો વધુ હોવાથી તળપદા કોળી સમાજમાં કોઈને ટિકિટ આપવાની ભાજપ પાસે માગ ઊઠી હતી. જ્યારે કોંગ્રેસે તળપદા સમાજના ઋત્વિક મકવાણાને ટિકિટ આપી હતી. એટલે ભાજપ માટે જીતવું અઘરૂં હોવાનું પક્ષના સ્થાનિક નેતાઓ માનતા હતા. પણ ઝાલાવાડના મતદારોએ ભાજપની લાજ રાખીને 261617 મતોની લીડ આપીને ચંદુભાઈને વિજ્યી બનાવ્યા છે.
સુરેન્દ્રનગરની બેઠક ઉપર ક્ષત્રિય આંદોલનનથી ભાજપની લીડમાં ગત ટર્મ કરતાં 15 હજારથી વધુનો ઘટાડો નોંધાયો હતો. જો કે, ભાજપની સંગઠનની ટીમ પણ કામે લાગી ગઇ હતી.આથી જ તમામ 7 વિધાનસભામાંથી ભાજપને લીડ મળી હતી. કોંગ્રેસના ઉમેદવાર પોતાના ગઢ ગણાતા સાયાલા-ચોટીલામાંથી પણ લીડ મેળવી શક્યા ન હતા. પરંતુ તળપદા કોળી સમાજના ટેકાથી તેમના મતમાં ચોક્કસ વધારો થયો છે. સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ભાજપ માટે એ-ગ્રેડની માનવામાં આવે છે. આથી ભાજપ આ બેઠક ઉપર ઉમેદવાર બદલવાના અખતરા કરતું આવ્યું છે. પરંતુ આ ચૂંટણીમાં ભાજપે પહેલી ચૂંટણીમાં જ જીતેલા ડો.મુંજપરાને કેન્દ્રય મંત્રી બનાવ્યા તેવા ઉમેદવારની ટિકિટ કાપીને મોરબી જિલ્લામાં રહેતા, સુરેન્દ્રનગર જિલ્લાથી ખૂબ અજાણ એવા ચંદુભાઇ શિહોરાને ટિકિટ આપતા લોકો આંચકો ખાઇ ગયા હતા. ભાજપના કાર્યકરોમાં પણ અંદરખાને નારાજગી હતી. બીજી બાજુ કોંગ્રેસે પીઢ રાજકીય એવા રૂત્વિક મકવાણાને ટિકિટ આપતા ખરાખરીનો જંગ જામશે તેવું લાગતું હતું. તેમાં પણ કોંગ્રેસ, આપનું ગઠબંધન થવાથી કોંગ્રેસ વધુ મજબૂત બની હોય તેવો માહોલ હતો. બીજી બાજુ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય આંદોલનના મંડાણ પણ સુરેન્દ્રનગરથી થયા હતા. જિલ્લાની સાથે લોકસભા બેઠકમાં પણ ક્ષત્રિયોની મોટી વસતી છે. આથી જ આ બેઠક ઉપર ફાઇટ થશે તેવું માનવામાં આવતું હતું.પરંતુ જાહેર થયેલા પરિણામે બધાયને ચોંકાવી દીધા હતા. કારણ કે એવી ધારણા કરવામાં આવતી હતી કે ભાજપના ચંદુ શિહોરા જીતે તો પણ લીડ ખૂબ ઓછી હશે. પરંતુ જ્યારથી મત ગણતરીની શરૂઆત થઇ ત્યારથી પહેલા રાઉન્ડથી જ ચંદુ શિહોરાની લીડ સતત વધતી જતી હતી. ઋત્વિકભાઇ પોતાનો ગઢ ગણાતા સાયલા અને ચોટીલામાંથી પણ લીડ ન મેળવી શકયા તેનુ સૌથી મોટુ નુકસાન ગયુ. રૂત્વિકભાઇને તળપદા કોળીના સારા મત મળ્યા પરંતુ છતા પોતાના સમાજના મત તેમને વિજયી ન બનાવી શકયા, જ્યારે આંદોલનના કારણે ભાજપના ઉમેદવારની લીડ ચોક્કસ ઘટી છે.