વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લામાં દીપડાની વસતી વધી ગઈ છે. ગામડાંઓમાં તો હવે દિવસ દરમિયાન પણ દીપડાં આટાંફેરા મારતા જોવા મળી રહ્યા છે. ખેડુતો સીમ-ખેતરો જતાં પણ ડર અનુભવી રહ્યા છે. ત્યારે જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામમાં રાત્રીના સમયે બાળક ઘરની બહાર આવતા જ દીપડો તરાપ મારી બાળકને ઉઠાવી ગયો હતો. ત્યારબાદ આખીરાત કલાકો સુધી શોધખોળ કર્યા બાદ શેરડીના ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો. બાળકનો શિકાર કર્યા બાદ દીપડા ફરીવાર સવારના સમયે ગામમાં ધૂસી આવ્યો હતો. અને વૃદ્ધા પર હુમલો કરી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગેની જાણ વન વિભાગને થતાં આ વિસ્તારમાં આદમખોર દીપડાને પૂરવા પાંજરા ગોઠવી દેવામાં આવ્યાં હતાં.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સુત્રાપાડા તાલુકાના મટાણા અને મોરડિયા ગામ વચ્ચે સીમવાડી વિસ્તારમાં રહેતા બે વર્ષનો બાળક માનવ રમેશભાઈ જાદવ રાત્રીના સાડા આઠ વાગ્યાના સમય દરમિયાન પોતાના પરિવાર સાથે ઘરે હતો. ત્યારે ઘરની બહાર નીકળતા રેકી કરી બેઠેલો આદમખોર દીપડો આવી ચડ્યો હતો. બાળકને જોઈ દીપડો અચાનક તરાપ મારી ગળાના ભાગેથી પકડી તેમના પરિવારની નજર સામે જ ઉઠાવી ગયો હતો. તેમની માતા સહિત પરિવાર બૂમાબૂમ કરવા લાગતા બૂમો સંભળાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. પરિવારજનો તેમજ આસપાસના ખેડૂતોએ આખી રાત બાળકની શોધખોળ હાથ ધરી હતી તેમ છતાં બાળક મળી આવ્યો નહોતો. કલાકોની શોધખોળ બાદ બે વર્ષનો બાળક શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનો પોતાના વાહલસોયા દીકરાના મૃતદેહ જોઇ ભારે આક્રંદ સાથે પડી ભાંગ્યો હતો. બાળકના માથા તેમજ ગળાના ભાગે દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હોઇ બાળકના મૃતદેહને કોડિનાર સરકારી હોસ્પિટલે પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે બાળકના મોત બાદ એ જ દીપડાએ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ વૃદ્ધ મહિલા લક્ષ્મી સામતભાઈ નકુમ પોતાના ઘરની લોબીમાં સૂતા હતાં. ત્યાં દીપડો આવી વૃદ્ધા પર હુમલો કરતા માથા તેમજ ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી, અને બુમાબુમ થતાં દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર અર્થે હસ્પિટલમાં ખસેડવામા આવ્યાં હતાં. આદમખોર દીપડાએ રાત્રિના બાળકને મોતને ઘાટ ઉતાર્યા બાદ વહેલી સવારે વૃદ્ધા પર હુમલાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ હુમલાની ઘટનાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયું છે. આ ઘટનાને લઈ વન વિભાગે વાડી વિસ્તારમાંથી આદમખોર દીપડાને પકડવા 8 જેટલાં પાંજરાં ગોઠવી દેવામાં આવ્યાં છે.