ભાવનગરઃ ગુજરાતમાં લાલ અને સફેદ ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. આ વર્ષે સિંચાઈ માટેનું પુરતું પાણી મળી રહેતા અને સાનુકૂળ હવામાનને લીધે ડુંગળીના પાકનું મબલખ ઉત્પાદન થયુ છે. પરંતુ ખેડુતોને પુરતા ભાવ મળતા નથી, તળાજા માર્કેટયાર્ડમાં ડુંગળીના પ્રતિમણ ખેડુતોને માત્ર 40 રૂપિયાથી 60 રૂપિયા ઉપજી રહ્યા છે. એટલે ખેડુતોએ કરેલા વાવેતરનો ખર્ચ પણ નિકળી શકતો નથી.
ભાવનગરના તળાજા પંથકમાં છેલ્લા વર્ષોમાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર ઘટાડી દીધુ હતું. પરંતુ આ વર્ષે તળાજા તાલુકાના ખેડૂતોએ મોટી આશાએ લાલ ડુંગળી માટે ભારે ઉત્સાહ દર્શાવીને અગાઉના વર્ષો કરતા પણ અધિક ડુંગળીનું 10,460 હેક્ટરમાં વાવેતર કર્યું હતુ. અને ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે. યાર્ડમાં ડુંગળીના પાકની ધૂમ આવક થઈ રહી છે. તેથી ડુંગળીના ભાવ છેલ્લા અઠવાડિયાથી દબાવા લાગતા તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી હરાજીના ભાવ એકદમ તળિયા જઈને મણના રૂપિયા ફક્ત 40 થી 60 અંકાતા ખેડુતોએ હોબાળો મચાવીને હરાજી બંધ રખાવીને સરકારમાં સહાયની માગણી સાથે મામલતદારને આવેદન પત્ર આપવા દોડી ગયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા અઠવાડિયાથી તળાજા, મહુવા. ભાવનગર સહિત જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતો ડુંગળીના ભાવ દબાવા લાગતા યાર્ડની બહાર વાહનોની લાઈન લાગી હતી. અને માર્કેટયાર્ડ દ્વારા વારંવાર ડુંગળી ન લાવવાની સૂચના પણ આપવી પડી હતી. જોકે ખરીફ અને લેટ ખરીફ સિઝનની ડુંગળી ઉત્પાદન સંગ્રહક્ષમ નહીં હોવાથી અને ભાવો ઘટતા જતા હોવાથી ખેડૂતોએ પોતાની ઉત્પાદિત ડુંગળીનો વહેલી તકે નિકાલ કરવા દોડ લગાવી રહ્યા છે, તળાજા માર્કેટિંગ યાર્ડમાં દૈનિક ડુંગળીના સરેરાશ 70,000 થેલાની આવક સામે ભાવો દબાવા લાગતા, ખેડૂતો અકળાયા છે.
તળાજા યાર્ડમાં ડુંગળી વેચવા માટે આવેલા ખેડુતોના કહેવા મુજબ ડુંગળીના ઉત્પાદન મજૂરી પેકિંગ અને વાહન ખર્ચ સહિત યાર્ડમાં લવાતી ડુંગળીના મણના રૂપિયા 150 થી 200 સરેરાશથી ઓછા ભાવો મળે તો ખોટ સહન કરવી પડે તેમ છે. હાલ તળાજામાં લાલ ડુંગળીના ભાવો ઉત્પાદન ખર્ચ કરતા ખૂબ જ ઓછા અંકાતા ખેડૂતો સરકાર પાસે ડુંગળીની ખોટ સર ભર કરવા સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. આ વર્ષે ગોહિલવાડ પંથકમાં ડુંગળીનુ વધારે ઉત્પાદન છે જ્યારે તમામ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવો ખેડૂતોની અપેક્ષા કરતાં ઓછા અંકાતા હોવાનું જણાઈ રહ્યું છે. જેથી ખેડૂતોને પડતર ભાવ પણ મળતા નથી.આવા સંજોગોમાં સરકાર દ્વારા અગાઉ 2018 માં ખેડૂતોને ડુંગળીની ખોટ સરભર કરવા માટે સહાય જાહેર કરી હતી.
તેની જેમ આ વખતે પણ રાજ્ય કૃષિ મંત્રી અને સહકાર મંત્રી સમક્ષ હાલના ખાસ સંજોગોમાં ડુંગળીના ઉત્પાદન એને વેચાણ ભાવનો સર્વે કરાવીને ખેડૂતોના ડુંગળીમાં સહાય જાહેર કરવા રજૂઆત કરેલ છે. અત્યારે તો ખેડૂતોને ડુંગળીના ભાવમાં રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે.