વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લામાં તલાળા વિસ્તારમાં શેરડીનું પણ સારૂએવું ઉત્પાદ થતું હોવાથી દેશી ગોળ બનાવવાના ઠેર ઠેર રાબડાં જોવા મળે છે. કેટલાક ખેડુતો દ્વારા જ દેશી ગોળ બનાવવામાં આવે છે. અને રાજકોટ સહિતના વેપારીઓ દ્વારા ખેડુતો પાસેથી જ દેશી ગોળના ડબ્બાની ખરીદી કરવામાં આવતી હોય છે. સીઝનમાં પ્રતિદિન 4500થી વધુ ડબ્બા દેશી ગોળનું ઉત્પાદન કરવામાં આવે છે. દેશી ગોળ બનાવતા રાબડામાં ત્રણ હજાર જેટલાં શ્રમિકોને પણ રોજી મળી રહે છે. ગત સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહીને લીધે દેશી ગોળ બનાવતા રાબડાંની કારગીરી બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ માવઠાની વિદાય થતાંની સાથે ફરીવાર રાબડાંમાં ગોળ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
તાલાલા પંથક કમોસમી ભારે વરસાદ પડતા દેશી ગોળના રાબડા બંધ થઈ ગયા છે. આ વિસ્તારમાં 40થી 50 દેશી ગોળના રાબડા કાર્યરત હતા. આ દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડતા તમામ ગોળના રાબડા બંધ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદથી ગોળના રાબડામાં પીલાણ માટે આવેલી શેરડી તથા ખેડૂતોના ખેતરમાં કટીંગ થયેલી શેરડીને ભારે નુકસાન થયું હતુ. દરમિયાન માધુપુર ગીરના એક રાબડા સંચાલકના જણાવ્યા મુજબ, તાલાલા પંથકમાં દરરોજ અંદાજે 4000થી 4500 ડબ્બા દેશી ખુશ્બુદાર ગોળનું ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ માવઠાંના કારણે રાબડા બંધ થતાં ગોળનું ઉત્પાદન બંધ થઈ ગયું છે. આ ઉપરાંત રાબડા બંધ થવાથી શેરડી કટાઈ તથા રાબડામાં દેશી ગોળ બનાવવાની કામગીરી કરતા અંદાજે 3 હજારથી પણ વધુ શ્રમજીવીઓની આજીવિકા બંધ થઈ હતી.. માવઠાંની અસર સમી જતાં તમામ રાબડા ફરી ધમધમતા થયાં છે. તલાળા વિસ્તારના રાબડાંમાં બનાવાતો દેશી ગોળની માગ વધુ રહે છે.