- એએમસીએ 427 સ્થળ ઉપર કરી તપાસ
- માસ્ક નહીં પહેનારાઓ સામે પણ તવાઈ
- પોલીસે શહેરના વિસ્તારમાં શરૂ કરી તપાસ
અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા કોર્પોરેશન દ્વારા સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ રાખની મંજૂરી આપી છે. અમદાવાદ શહેરમાં અનેક નિયંત્રણો છતા કોરોના કેસમાં વધારો થતા તંત્ર એક્શનમાં આવ્યું છે. થોડાક સમય પહેલા જ કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી તેના અમલીકરણ માટે હવે કોર્પોરેશન મેદાનમાં ઉતર્યું છે. અમદાવાદની ખાનગી ઓફિસોમાં તવાઈ બોલાવતા કોર્પોરેશન દ્વારા 427 સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી 5 સ્થળો ઉપર નિયમનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પોલીસ પણ માસ્કના મુદ્દે વધારે સતર્ક બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં રોકેટ ગતિએ કોરોના વાયરસના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. કોર્પોરેશન અને સરકાર દ્વારા સંક્રમણ અટકે તે માટે કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. તેમજ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તેમ છતા અનેક એકમો આ ગાઈડલાઈનનું પાલન નહીં કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન કોર્પોરેશનની વિવિધ ટીમોએ એસ.જી.હાઈવે, નિકોલ, વસ્ત્રાલ અને થલતેજ સહિતના વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું હતું. બીજી તરફ હજુ પણ અનેક લોક માસ્ક પહેર્યા વગર ફરતા હોવાથી આવા લોકોને ઝડપી લેવા માટે પોલીસે પણ અભિયાન શરૂ કર્યું છે. શહેરના મેમનગર સહિતના વિસ્તારોમાં સવારથી જ પોલીસે માસ્કના નિયમોનું પાલન નહીં કરનારા સામે તપાસ શરૂ કરી હતી.