થાનગઢમાં રેલવે ફાટક સતત બંધ રહેતા વાહન ચાલકોને હાલાકી, ટ્રાફિકજામના સર્જાતા દ્રશ્યો
સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢ શહેરમાં ફાટકની સમસ્યા માથાના દુઃખાવા રૂપ બની છે. કારણે કે સતત ટ્રેન વ્યવહારના કારણે ફાટક મોટાભાગના સમયમાં બંધ જ રહેતું હોય છે. એટલે ફાટકની બન્ને બાજુ ફાટક ખૂલ્યા બાદ પણ કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા હોય છે. થાનગઢએ સિરેમીક ઉદ્યોગનું હબ ગણાય છે. થાનગઢના બે મુખ્ય રસ્તામાં બે રેલવે ફાટક આવેલા છે. જેમાં એક રેલવે ફાટકનું છેલ્લા એક વર્ષથી ગોકુળગતિએ કામ ચાલી રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરમાં ત્રણથી ચાર ગામને જોડતુ રેલવે ફાટક કાયમ બંધ જ રહેતું હોવાથી ટ્રાફિક જામની સમસ્યા વકરી છે. જેમાં સતત રેલવે ફ્રિકવન્સીને કારણે અનેકવાર ફાટક બંધ રહે છે. હજારો વાહનોનો અવર-જવરનો રસ્તો હોવાથી ટ્રાફીક જામની વિકટ સમસ્યા પ્રજા ભોગવી રહી છે. રેલવે ફાટક પાસે ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. થાનગઢના બે મુખ્ય રસ્તામાં બે રેલવે ફાટક આવેલા છે. જેમાં એક રેલવે ફાટકનું પાછલા એક વર્ષથી ગોકુળગતિએ કામ ચાલી રહ્યુ છે. જેથી ટ્રાફિક જામની સમસ્યા વકરી છે. એમાય ઇમરજન્સી સેવા જેવી કે એમ્બ્યુલન્સ પણ ઘણી વખત ફસાઈ જતા દર્દીઓની હાલત અત્યંત કફોડી બને છે. આ અંગે થાનગઢ વાસીઓ દ્વારા લાગતા વળગતા સત્તાધિશોને અનેકવાર ફરિયાદો કરી છે. પણ પરિણામ શૂન્ય રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર હાલ વિશ્વ પ્રખ્યાત તરણેતરના મેળાના આયોજનમાં લાગ્યું છે. પરંતુ થાનથી તરણેતર મેળામાં જવાનો આ એક માર્ગ કેવો છે ? તેનો કોઇએ ખ્યાલ નથી કર્યો. જેમાં થાનગઢના ધોળેશ્વર રેલવે ફાટક પાસે હંમેશા ટ્રાફિક રહે છે. આથી લાગતા વળગતા તંત્ર દ્વારા ટ્રાફિકથી ધમધમતા આ રેલવે ફાટકનું કામ તાકીદે પૂર્ણ કરવામાં આવે એવી વ્યાપક માગ થાનગઢવાસીઓએ કરી છે.