Site icon Revoi.in

અમદાવાદ માર્કેટ યાર્ડમાં લીંબુની આવક ઘટતા ભાવ પ્રતિકિલો રૂપિયા 110ને વટાવી ગયા,

Social Share

અમદાવાદઃ ઉનાળાના આગમનને મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે લીલા શાકભાજીથી લઈને લીંબુના ભાવમાં વધારો થયો છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા APMC માર્કેટમાં પ્રતિ કિલો દીઠ લીંબુનો ભાવ 90થી 110 રૂપિયા સુધી પહોંચ્યો છે. અને ગરમી વધતા જ લીબુંના ભાવમાં હજુ પણ વધારો થશે. આ ઉપરાંત એપીએમસીમાં શાકભાજીના ભાવમાં પણ વધોરો થયો છે. જેમાં ગવાર, ચોળી અને તુવેરનો ભાવ સૌથી વધુ રહ્યો હતો.

અમદાવાદમાં જમાલપુર ખાતે આવેલા APMC માર્કેટમાં લીંબુની જે આવક થાય છે તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપરાંત હૈદરાબાદ, બેંગ્લોર અને કનગીરી તથા મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી લીંબુ વેચાણ માટે એપીએમસીમાં આવી રહ્યા છે. જોકે લીબુના જથ્થાની આવક કરતા માગ વધુ હોવાથી ભાવમાં વધારો થયો છે. લીબુંની આવકમાં ઘટાડો થયો છે. દક્ષિણ ગુજરાતમાં મહિનાઓ પહેલા વાવાઝોડાને લીધે લીંબુના પાકને અસર થવાથી ઉત્પાદનને માઠી અસર થતાં લીંબુનો ઉતારો ઘટી ગયો છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી પણ આવક ઓછી થઈ છે. દર વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં બજારમાં જેટલા પ્રમાણમાં લીંબુની આવક હોય છે તેના કરતાં આ વર્ષે લીંબુની આવકમાં 70થી 80 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

યાર્ડના સૂત્રોના કહેવા મુજબ ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી આવતા લીંબુની આવક પણ ઘટી છે. કારણ કે, જે વાડીઓમાં લીંબુનો પાક થાય છે ત્યાંની મોટાભાગની જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતાં લીંબુની આવક ઓછી થઈ છે. એના કારણે લીંબુના ભાવમાં ઘટાડો થયો છે. હાલ આ સ્થિતિ છે. તો ઉનાળામાં તો લીંબુનો ભાવ આસમાનો પહોંચશે. આ ઉપરાંત શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જમાલપુરના APMC માર્કેટમાં લીંબુ ઉપરાંત લસણના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો. લસણનો ભાવ 200થી 250 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો. આ ઉપરાંત ઉનાળામાં આવતા શાકભાજીમાં ગવાર, ચોળી અને તુવેરનો ભાવ સૌથી વધુ રહ્યો હતો. હોલસેલ બજારમાં ગવારનો પ્રતિકિલો દીઠ 90થી 100 ભાવ રહ્યો હતો. જ્યારે ચોળીનો ભાવ 70થી 80 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો. આજ રોજ સૌથી ઓછા ભાવમાં ભુટા વેચાયા હતા. જેનો પ્રતિ કિલો ભાવ 3થી 7 રૂપિયા રહ્યો હતો. જ્યારે કોથમીરનો પ્રતિ કિલો ભાવ 10થી 15 રૂપિયા રહ્યો હતો.