મુંબઈ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રવિવારે 2022-23 સિઝન માટે ટીમ ઇન્ડિયા (સીનીયર પુરુષો) માટે વાર્ષિક ખેલાડી કરારની જાહેરાત કરી હતી. આ દરમિયાન BCCIએ 7 પ્રખ્યાત ક્રિકેટરોને મોટો ઝટકો આપ્યો છે, જે બાદ હવે તેમની કારકિર્દી પણ જોખમમાં જોવા મળી રહી છે. હકીકતમાં, BCCIએ વાર્ષિક કરારમાં કેટલાક નવા ખેલાડીઓને સામેલ કર્યા છે, જ્યારે કેટલાક જૂના સ્ટાર્સને પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.
BCCIએ અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા અને દીપક ચહરને કરારમાંથી બહાર કરી દીધા છે. તમામ ખેલાડીઓ કેટલાક મહિનાઓથી ખરાબ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા, જેના કારણે તેમને ન માત્ર પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડ્યું હતું, પરંતુ હવે તેમને તેમના વાર્ષિક કરારમાંથી પણ બહાર કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ઈશાન કિશન, દીપક હુડ્ડા, કુલદીપ યાદવ, સંજુ સેમસન, કેએસ ભરત અને અર્શદીપ સિંહને પહેલીવાર બીસીસીઆઈએ સાઈન કર્યા છે.
બીજી તરફ, રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને A+ કેટેગરીનું સ્થાન મળ્યું છે. એટલે કે આ ચારેયને દર વર્ષે 7 કરોડ રૂપિયા મળશે. એ કેટેગરીના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, ઋષભ પંત અને અક્ષર પટેલ છે, જેમને 5 કરોડ રૂપિયા, બી કેટેગરીના ચેતેશ્વર પૂજારા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ, જેમને વાર્ષિક 3 કરોડ રૂપિયા મળશે. ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ અને કેએસ ભરત જેવા 11 ખેલાડીઓને સી કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમને ઓછામાં ઓછા એટલે કે 1 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ મળશે.