રાજ્યમાં કોરોનાના કેસમાં મામુલી ઉછાળો આવતા તંત્ર એલર્ટ, નિયમોનું પાલન કરવા લોકોને અપિલ
અમદાવાદઃ રાજયમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પણ કોરોનાનું ફરીવાર સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતિ રાખવી એટલી જ જરૂરી છે. પણ લોકો હવે કોરોનાને સાવ ભૂલી ગયા હોય તેમ માસ્ક પહેરતા નથી. કે તેના નિયમોનું પાલન કરતા નહીં હોવાની ફરિયાદો ઊઠી છે. રાજ્યમાં શનિવારે નોંધાયેલા કોરોનાના આંકડા પ્રમાણે તાપીમાં વધુ એક મોત થતા કુલ મૃત્યુઆંક 10,086 પર પહોંચી ગયો છે. રાજ્યમાં પાંચ દિવસની અંદર 4 મોત થયા છે, જે જુલાઈ પહેલીવાર આટલા મોત એક સાથે નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના 24 કલાકમાં વધુ 24 કેસ સાથે નવા કેસમાં 26 ટકાનો ઉછાળો નોંધાયો છે. જ્યારે 17 નવા દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, જેથી હાલ રાજ્યના કુલ એક્ટિવ કેસમાં 7નો વધારો થતા કુલ એક્ટિવ કેસ 182 પર પહોંચ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શનિવારે રાજ્યમાં નોંધાયેલા નવા કેસમાંથી સુરતમાં 7 અને અમદાવાદમાં 5 કેસ નોંધાયા હતા. જ્યારે વલસાડમાં 2 અને ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 કેસ નોંધાયા હતાં. આ સિવાય વડોદરા શહેર, મહેસાણા અને સુરતમાં પણ વધુ એક કેસ નોંધાયો હતા. આ સાથે સુરતમાં એક્ટિવ કેસનો આંકડો 56 થઈ ગયો હતા. જ્યારે અમદાવાદનો આંકડો 41 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 815855 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 182 છે જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 177 દર્દીઓ સ્ટેબલ છે. AIIMSના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ લોકોને અપીલ કરી છે કે, તહેવારની ઉજવણી કરો, ખુશીઓ મનાઓ, પરંતુ ધ્યાન રાખો કે તહેવારોમાં ખુશીઓ ઘરે લાવો, કોરોના સંક્રમણ નહીં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ડોક્ટર ગુલેરિયાનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તેમણે લોકોને તહેવારો દરમિયાન વધારે સાવધાની રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, મારી તમામ લોકોને એવી સલાહ છે કે તહેવારોની ઊજવણી કરો, પણ એવી રીતે કરો કે ઈન્ફેક્શન ના ફેલાય. કોવિડ અપ્રોપિએટ બિહેવિયર અપનાવો. આપણે તહેવારની ઉજવણી કરીએ અને તેના કારણે આપણા જ વિસ્તારમાં કેસની સંખ્યા વધી જાય અને લોકોએ હોસ્પિટલમાં દાખલ થવું પડે તે પણ સારી વાત નથી.