નવી દિલ્હીઃ દેશમાં ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હટાવાયો હોવાની અટકળો વચ્ચે આજે સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. સરકારે ચોખવટ કરી છે કે, તા. 31મી માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ રહેશે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે એ સમાચારોનું ખંડન કર્યું છે કે, જેમાં ડુંગળીની નિકાસ ઉપર લગાવેતો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ડુંગળીની નિકાસ ઉપર લગાવેલો પ્રતિબંધ યથાવત છે અને તેના સ્ટેટ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો હતો.
ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહએ જણાવ્યું હતું કે, ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હટાવાયો નથી, તે યથાવત છે. હાલની સ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, સરકારની મોટી પ્રાથમિકતા સ્થાનિકોને યોગ્ય કિંમત ઉપર ડુંગળી મળી રહે. ડુંગળી ઉપરનો પ્રતિબંધની સમય મર્યાદા પહેલાથી જ 31મી માર્ચ 2024 સુધી જાહેર કરાઈ છે. સરકાર કિંમતોને નિયંત્રણમાં રાખવા અને ઘરેલુ જરુરુયાતને સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકારે 8મી ડિસેમ્બર 2023ના રોજ 31મી માર્ચ સુધી ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવાયાના સમચાર સામે આવતા દેશમાં જથ્થાબંધ ડુંગળીના બજાર લાસલગાંવમાં 19મી ફેબ્રુઆરીના રોજ ડુંગળીની કિંમતમાં 40.62 ટકાનો વધારો થયો છે. 17મી ફેબ્રુઆરીએ ડુંગળીની કિંમત પ્રતિ ક્વિટંલ રૂ. 1280 હતી જે વધીને સીધી 1800 થઈ ગઈ હતી. આગામી મહિને લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શકયતા છે. દોઢ મહિના બાદ મતદાન શરુ થવાની સંભાવના છે. આવા સમયમાં સરકાર મોંઘી ડુંગળીનું જોખમ લેવા માંગતી નથી. જેના પરિણામે 31મી માર્ચ સુધી ડુંગળીની નિકાસ ઉપરના પ્રતિબંધ હટાવે તેવી શકયતા ખુબ ઓછી છે.