Site icon Revoi.in

પાકિસ્તાનના PM ઈમરાન ખાનની ખુરશી સંકટમાં, પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી બદલાયાં

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાનખાન પોતાની ખુરશી બચાવવા માટે હવાતિયા મારતા હોય તેમ પંજાબ પ્રાંતના મુખ્યમંત્રીને હટાવીને સહયોગી પાર્ટીના નેતાને બેસાડી દીધા હતા. હવે પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી પરવેજ ઈલાહી હશે. ઈલાહી પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદાના નેતા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદા પાર્ટી ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇન્સાફની સહયોગી પાર્ટી છે. નેશનલ અસેંબલીમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદાના પાંચ સાંસદ છે. ઇલાહી પહેલા મુખ્યમંત્રી ઉસ્માન બજદર હતા. ઉસ્માન બજદરએ સોમવારે સાંજે જ રાજીનામું આપ્યું હતું.

ઉસ્માન બજદરના રાજીનામા બાદ પીએમએલ-ક્યુના નેતાઓએ ઈમરાન ખાન સાથે મીટીંગ કરી હતી. તેમજ સંસદમાં સમર્થન આપવાની ખાતરી આપી હતી. ઈમરાનથી નારાજ મુત્તાહિદા કોમી મુવમેન્ટ-પાકિસ્તાનને સાથે લાવવાના પ્રયાસ તેજ થયાં છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર સોમવારે પીટીઆઈ અને એમક્યુએમ-પીના નેતાઓની મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં ઈમરાનને સમર્થન આપવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ ઈમરાન ખાને એમક્યુએમ-પીને મેરિટાઈમ મિનિસ્ટ્રી આપવાની તૈયારી દર્શાવી છે.

સિંધ પ્રાંતના ગવર્નર ઈમરાન ઈસ્માઈલએ જણાવ્યું હતું કે, સરકાર સાથે એમક્યુએમની વાત થઈ છે. સરકાર એમક્યુએમ-પીની તમામ શરતો માનવા તૈયાર છે. ઇમરાન સરકાર નારાજ સમર્થકોને સાથે લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. બીટીઆઈ બળવો કરનારા સાંસદનોને પણ મનાવવાના પ્રયાસ કરાઈ રહ્યાં છે.

ઈમરાન ખાન ભલે અસંતુષ્ટોને સાથે લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ તેમની ખુરશી હજુ સંકટમાં છે. ઈમરાન સામે સોમવારે પાકિસ્તાની સાંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સંસદનું આગામી સત્ર 31મી માર્ચના રોજ મળશે. નેશનલ અસેમ્બલીમાં 342 બેઠકો છે અને ઇમરાન પોતાની સરકાર બચાવવા માટે 172 વોટની જરૂર છે. ઇમરાનની પાર્ટીના 155 સભ્યો છે. પરંતુ 44 સભ્યોએ બળવો કર્યો છે અને ઈમરાન ખાનના સહયોગી પાર્ટી પણ નારાજ હોવાનું મનાઈ રહ્યું છે.