1. Home
  2. ગુજરાતી
  3. માનહાનીના કેસમાં રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં એક કલાક હાજરી આપી વધારાનું સ્ટેટમેન્ટ આપ્યુ
માનહાનીના કેસમાં રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં એક કલાક હાજરી આપી વધારાનું સ્ટેટમેન્ટ આપ્યુ

માનહાનીના કેસમાં રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં એક કલાક હાજરી આપી વધારાનું સ્ટેટમેન્ટ આપ્યુ

0
Social Share

સુરતઃ અખિલ ભારતીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરાયો હતો આ કેસમાં કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી આજે સુરત આવ્યા હતા. કોર્ટમાં અંદાજે એક કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના થયા છે. રાહુલ ગાંધી માટે સુરતમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરત એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. બાદમાં સુરત કોર્ટમાં રાહુલ ગાંધી પહોંચ્યા હતાં. કોર્ટમાં રાહુલ ગાંધીનું વધારાનું સ્ટેટમેન્ટ પણ લેવાયુ હતું.

સુરત પહોંચેલા રાહુલ ગાંધીનું એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત ચાવડા, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું, સાથે જ એરપોર્ટ પર પહોંચેલા રાહુલ ગાંધીને વકીલોએ પણ કેસની વિગતો આપીને બ્રિફ કર્યા હતા. કર્ણાટકમાં એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજને લઈને કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે મોદી સમાજ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ જાહેર સભામાં તમામ મોદી ચોર હોવાની ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે નીરવ મોદી, લલિત મોદી સહિતનાં નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા, જેને લઇને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે, સમગ્ર મોદી સમાજને ચોર કહેતાં સમાજની લાગણી દુભાય છે. રાહુલ ગાંધી સામે કેસ કરનારા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે તત્કાલીન કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ અમારા સમાજને ચોર કહ્યો હતો. ચૂંટણીની સભામાં અમારા પર આક્ષેપ કર્યા હતા, જેથી અમારી અને સમાજની લાગણી દુભાતાં કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ અમે અંતિમ શ્વાસ સુધી લડશું. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના સામાન્ય જનતાની અવાજ બનતા લોક નેતા રાહુલ ગાંધીને હેરાન પરેશાન કરવા માટે ખોટા માનહાનિના કેસો કરવામાં આવ્યા છે. સમગ્ર કોંગ્રેસ સમિતિ સત્ય, ધર્મની લડાઈ માટે રાહુલ ગાંધી જે સંઘર્ષ કરી રહ્યા છે એમના સમર્થન અને સ્વાગતમાં જોડાશે. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. જે સંદર્ભે અગાઉ રાહુલ ગાંધી ઓક્ટોબર, 2019માં કોર્ટમાં હાજર રહ્યા હતા. બાદમાં વધારાનું સ્ટેટમેન્ટ લેવા માટે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યાં. ફરિયાદ પક્ષની સાક્ષી ચકાસવાનો સ્ટેજ પુરો થયો હતો જેની સામે હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. જો કે તે અંગે કોઇ હુકમ ન આવતા રાહુલ ગાંધીનો જવાબ નોંધવાનો સ્ટેજ આવી ગયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code