Site icon Revoi.in

ખારાઘોડાના રણના 40 કિમી વિસ્તારમાં ફરીવાર નર્મદાના પાણી ફરી વળ્યા, અગરિયાઓને મુશ્કેલી

Social Share

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા, ઝીંઝુવાડા અને ધ્રાંગધ્રાના રણ વિસ્તારમાં અગરિયાઓ દ્વારા મીઠું પકવીને રોજગારી મેળવવામાં આવી રહી છે, રણ વિસ્તારમાં ઘૂડસર અભ્યારણ્ય પણ આવેલુ છે. ત્યારે રણ વિસ્તાર નજીકથી પસાર થતી નર્મદા કેનાલનું પાણી ઊભરાઈને રણ વિસ્તારમાં ફેલાઈ જતું હોય છે. થોડા દિવસ પહેલા જ મીઠાંના અગરો પર કેનાલના પાણી ફરી વળતા અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યાં જ નર્મદા નિગમના અધિકારીઓની લાપરવાહીથી ફરીવાર નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા છે. એક બાજુ અગરિયાઓને રણમાં ટેન્કરો દ્વારા 20 દિવસે પાણી મળે છે, ને બીજી બાજુ રણમાં નર્મદાના લાખો ગેલન પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.

ખારાઘોડાના  રણમાં દર વર્ષે લાખો ગેલન નર્મદાનું પાણીનો બેરોકટોક વ્યય થતો હોય છે. આ વર્ષે પણ ફરીવાર રણમાં 40 કિ.મી. વિસ્તારમાં નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. એક બાજુ વન વિભાગ ઘૂડખરને નુકશાન થવાનું જણાવી મીઠું પકવતા અગરિયાઓ માટે જમીનની અંદર પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની મંજૂરી આપતું નથી અને બીજી બાજુ રણમાં નર્મદાનું પાણી વેડફાતા હજારો અગરિયા પરિવારો મુશ્કેલી વેઠી રહ્યા છે. અને આ દયનીય પરિસ્થિતિના લીધે રણમાં પરંપરાગતરીતે પેઢી દર પેઢી મીઠું પકવતા અગરિયા સમુદાયને સામુહિક હિજરત કરવાની નોબત આવી છે.

ખારાઘોડા, ઝીંઝુવાડા અને ધ્રાંગધ્રાના કૂડા રણમાં છેલ્લા કેટલાક વર્ષોથી આ સમસ્યા જોવા મળી રહી છે. વર્ષ 2017માં રણમાં નર્મદાના નીર અગરિયાઓના પાટામાં ફરી વળતા કલેક્ટર દ્વારા એક કમિટી બનાવી રણમાં મીઠું પકવતા અગરિયાઓને નર્મદાના નીરથી થયેલી નુકશાનીનો સર્વે કરાયો હતો. જેમાં નર્મદાનું આ પાણી રણમાં 70 કિ.મી.સુધી ફરી વળતા સર્વેમાં અંદાજે 136 જેટલા અગરિયાઓને રૂ. દોઢથી પોણા બે કરોડનું નુકશાન આવ્યું હતુ.પરંતુ આજ દિન સુધી અગરિયાઓને રાતી પાઇ પણ સહાય મળી નથી.

આ અંગે અગરીયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા સહિતના અગરીયા આગેવાનો રણમાં ચિક્કાર પાણી ક્યાંથી આવે છે, એ જોવા જાતે ખારાઘોડા ઓકરે ગયા હતા, જ્યાં ઓકરામાંથી લાખો ગેલન ઓવરફ્લો પાણી રણમાં બેરોકટોક વહેતું હોવાનું સામે આવ્યું હતુ. આથી આ બાબતે અગરીયા મહાસંઘ રજુઆત કરવા છેક ગાંધીનગર સુધી જવાનુ વિચારી રહ્યાં છે.