કોરોનાના કપરા કાળમાં મોંઘવારીએ પણ માઝા મુકીઃ જીવનજરૂરી ચીજોના ભાવ આસમાને પહોંચ્યા
અમદાવાદઃ રાજ્યમાં લોકો કોરોનાના કપરા કાળનો સામનો કરી રહ્. છે ત્યાં મોંઘવારીએ પણ માઝા મુકી છે. રોજનું લાવીને રોજ ખાતા લોકોની હાલત વધુ કફોડી બની છે. જીવન જરૂરિયાત ચીજોના ભાવ આસમાને આંબી રહ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારની હાલત કફોડી બની રહી છે. જીવન જરૂરી ચીજોના ભાવો નિયંત્રિત કરવા ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે.
કોરોનાની બીજી લહેરે માનવીની જીવનશૈલીને અસ્તવ્યસ્ત કરી નાંખી છે. તેની અસર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર ઉપર પડી રહી છે. ત્યારે આવી કપરી સ્થિતિમાં પણ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ હાલમાં આસામાને ગયા હોવાથી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની હાલત એક સાંધતા તેર તૂટે તેવી સ્થિતિ બની રહી છે.
તેલ, અનાજ, કઠોળ સહિતના દરેકના ભાવ બેકાબુ બની ગયા હોય તેમ વધી રહ્યા છે. બેકાબુ બનેલા જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓના ભાવોને નિયંત્રિત કરવા રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ કરી છે. તેલના ડબ્બાના વધી રહેલા ભાવોને નિયંત્રિત કરવા ઓઇલમીલરો સાથે બેઠકો કરવાની પણ માંગણી કરી છે. શ્રમજીવીઓને બે ટંકના ખાવાના ફાંફા પડી રહ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને પોષાય તેવી રીતે ચીજોના ભાવો નિયંત્રિત કરવા જરૂરી છે.