Site icon Revoi.in

વડોદરામાં વરસાદથી રોડની હાલત ડિસ્કો બની ગઈ, રોડ પર ઠેર ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન

Social Share

વડોદરાઃ  શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ રોડ-રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. રોડ પર ઠેર ઠેર ખાડાં પડી જવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોએ ખાડા ખોદીને જે તે કામગીરી કર્યા બાદ યોગ્ય પુરાણ ન કરતાં અનેક જગ્યાઓએ રોડ બેસી ગયા છે, સાથે જ રોડ પર નાના મોટા ભૂવા પડ્યા છે, જેને લઈ લોકોને મુશ્કેલી પડી રહી છે.

વડોદરા શહેરમાં પ્રથમ વરસાદમાં મ્યુનિ,કોર્પોરેશનના પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયો છે. શહેરના વિકાસના કામો માટે અગાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર ખાડા ખોદી દેવામાં આવ્યા હતા, જે ખાડાઓ 15 જૂન સુધી પૂરી દેવા મ્યુનિ.ના સત્તાધીશોએ આદેશ કરતા કોન્ટ્રાકટરોએ જેમ તેમ ખાડાઓ પૂરી દીધા હતા. ત્યારબાદ પ્રથમ વરસાદ પડતાં જ કોન્ટ્રાકટરોની કામગીરીની પોલ ખુલ્લી પડી છે. કોન્ટ્રાકટરોએ ખાડા પુરાણ યોગ્ય ન કર્યું હોવાથી સમા સ્થિત ઊર્મિ બ્રિજનો સર્વિસ રોડનો સાઈડનો ભાગ બેસી ગયો હતો, સાથે જ રોડ પર નાના મોટા ભૂવા પણ પડ્યા છે. આ જ રોડ પર મોટી સ્કૂલ અને હોસ્પિટલ આવેલી છે, સાથે જ રહેણાક અને કોમર્શિયલ વિસ્તાર છે. જેને લઇ મોટી સંખ્યામાં દર્દીઓ, સ્કૂલના વિધાર્થીઓ અને રહીશો રોડ પરથી અવર જવર કરે છે. તેમ છતાં મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ કોઈ જ કામગીરી કરતા નથી. અનેક લોકોના વાહનો ખાડામાં ફસાઈ જાય છે, તો અનેક લોકો પડે પણ છે, જેથી લોકોને ઈજા પણ થાય છે સાથે જ વાહનને નુકશાન પણ થાય છે.

શહેરના સ્થાનિક રહિશોના કહેવા મુજબ મ્યુનિ,કોર્પોરેશનની કામગીરીની નિષ્ફળ નીવડી છે. ઊર્મિ બ્રિજ પાસેના સર્વિસ રોડ પર થોડાક સમય પહેલા જ મ્યુનિ.એ ડ્રેનેજ લાઈન નખાવી હતી. જેમાં કોન્ટ્રાકટરએ ખાડાનું યોગ્ય પુરાણ નહિ કર્યું, સાથે જ મ્યુનિ.ના ઈજનેરે પણ યોગ્ય દેખરેખ ન રાખતા લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. ખાડામાં વાહન પછડાવવાથી અને રોડ પર ભરેલા પાણીમાં વાહન જવાથી વાહનચાલકોને પણ નુકશાન થઈ રહ્યું છે.