ગરવા ગિરનારના જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી, ઠેર ઠેર ઝરણાથી અનોખો નજારો સર્જાયો
જુનાગઢઃ સોરઠ પંથકમાં આ વખતે ચોમાસાના પ્રારંભથી જ સારોએવો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે વનરાજી ખીલી ઊઠી છે. અને ગરવા ગિરનારે તો જાણે લીલી ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખળખળ વહેતા ઝરણાંઓ ઉછળકૂદ કરી રહ્યાં છે. જમજીરનાં ધોધને લીધે અનોખો નજારો જોવા મળી રહ્યો છે.
ગીર જંગલ અને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા સતત વરસાદથી નદી-નાળા છલકાઈ ગયાં છે. ગીરના જંગલના ડુંગર વિસ્તારમાંથી પડતા નાના-મોટા ધોધ વહેવા લાગતાં ગીરનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ગીરના પ્રખ્યાત જામવાળા નજીક આવેલો ધોધ વહેતા તેનો અલ્હાદાયક નજારો જોવા મળી રહ્યો છે. છેલ્લા પંદર દિવસના વરસાદી માહોલ બાદ બે દિવસથી વરાપ નીકળ્યો હોવાથી આ પંથકના લોકો અને પ્રવાસીઓ ગીરની પ્રકૃતિને માણવા માટે અને જમજીર ધોધનો નજારો જોવાનો લ્હાવો લેવા માટે આવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં ગીર જંગલમાં પડેલા ભારે વરસાદથી જિલ્લાની નદીઓમાં ભરપુર પાણીની આવક થઈ હતી. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં જામવાળા નજીક આવેલા પ્રખ્યાત જમજીર ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. હાલ આ ધોધના દ્રશ્યો થોડા બિહામણા ખરા પરંતુ એટલા જ આહલાદક અને રમણીય પણ છે. જંગલ વિસ્તારમાં પણ અદભુત કુદરતી સૌંદર્યના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
વન વિભાગના અધિકારીના કહેવા મુજબ જમજીર ધોધનું સૌંદર્ય જ એવું છે કે તેને નિહાળવું અને માણવું તે એક અદભુત લ્હાવો હોવાથી સ્થાનિકો ઉપરાંત પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. આ ધોધની વિશેષતાઓ પણ છે. શીંગોડો નદી મધ્યગીર કનકાઈની ગીરી કંદરાઓમાંથી ઉદભવી અનેક કીમી અંતર કાપી કોડીનારનાં મુળ દ્વારકા બંદરે સમુદ્રને મળે છે. શીંગોડો નદી ગીર જંગલમાંથી પસાર થાય છે. ગીર બોર્ડરનાં જામવાળા ખાતે આ નદી શિંગોડા ડેમમાં આવે છે. અહીંથી આગળ વધી જમદગ્નિ ઋષિના આશ્રમની નજીક જમજીરના ધોધ સ્વરૂપે વહે છે. ભૂતકાળમાં ધોધમાં પચ્ચીસેક ફૂટ ઉંચાઇથી વહેતા પાણી સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકોએ જીવ પણ ગૂમાવ્યાના દાખલા છે. આ ધોધના સૌંદર્યનું જેટલું આકર્ષણ છે તેટલી જ તેની વિકરાળતા પણ છે. જમજીરના ધોધને દુરથી જ માણવુ જોઈએ. કારણ કે ધોધ સાઈટ ખાતે. સૂચના આપતા બોર્ડ તો છે. સરકાર દ્વારા આ ધોધને ટુરિઝમમાં સમાવીને વિકસાવવાની જરૂર છે.