જૂનાગઢ : ગુજરાતમાં એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે. અસહ્ય ગરમીએ સૌ કોઈને અકળાવી મુક્યા છે. લોકો તો એસી-પંખાથી ઠેડક મેળવી લેતા હોય છે, પણ જંગલના પશુ-પંખીઓની હાલત ગરમીમાં દયનીય બનતી હોય છે. પ્રાણીઓને પીવાના પાણી માટે દુર દુર સુધી ભટકવું પડતું હોય છે. ત્યારે વનવિભાગ દ્વારા જંગલમાં રહેતા પ્રાણીઓ માટેની પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વનવિભાગ દ્વારા જંગલમાં રહેતી નાનકડી કીડીથી લઇને સિંહ સુધીના તમામ પ્રાણીઓને ઠંડક અને પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગીરના જંગલમાં પણ અસહ્ય તાપમાનથી જંગલના રાજા ગણાતા વનરાજો પણ આકૂળ-વ્યાકૂળ બની ગયા છે. ત્યારે વન વિભાગ દ્વારા ઠેર ઠેર પીવાના પાણી માટેની કૂંડીઓ બનાવવામાં આવી છે. એશિયાટીક સિંહો ગરમી સામે રાંક થઇ જાય છે. જેના પગલે જંગલમાં 500 થી વધારે પાણીના પોઇન્ટ મુકવામાં આવ્યા છે. જ્યાં વન વિભાગ નિયમિત રીતે તાજુ પાણી ભરે છે. જેથી ન માત્ર સિંહ પરંતુ આસપાસના અન્ય વન્યપ્રાણીઓ પણ પોતાની તરસ છીપાવી શકે. આ ઉપરાંત વન વિભાગ આસપાસના થોડા વિસ્તારોમાં પાણી છાંટીને વિસ્તાર ઠંડો કરે છે જેથી પ્રાણીઓ અહીં ઠંડકમાં બેસી પણ શકે. આ ઉપરાંત અહીં વન વિભાગ દ્વારા કીડી અને મધમાખી પાણીના કુંડમાં પાણી પી શકતા નથી. તેથી કંતાન પાથરીને તેને પલાળી દે છે. જેથી મધમાખી, મકોડા અને કીડી જેવા પ્રાણી આ ભીના કંતાનમાંથી પાણી ચુસીને પીવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળા દરમિયાન વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં જંગલની બહાર નિકળી જાય છે. આ પ્રાણીઓ બહાર નિકળી જતા તેનો શિકાર કરવા માટે શિકારી પ્રાણીઓ પણ બહાર નિકળે છે. આ પ્રકારે શિકારી પ્રાણીઓ વનની બહાર નિકળી જતા લોકોમાં ગભરાટ ફેલાય છે. જેની કારણે સમગ્ર વનની ઇકો સિસ્ટમ વનમાં જ જળવાઇ રહે તે માટે વન વિભાગ પાણીથી માંડીને તમામ વ્યવસ્થા જંગલની અંદર જ કરે છે. જેથી વન્ય પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ કરી શકાય છે.