રાજકોટઃ જિલ્લા પંચાયતની શુક્રવારે સાધારણ સભા મળી હતી જેમાં તિરંગોત્સવની પણ ઊજવણી કરવામાં આવી હતી. તમામ સભ્યો અને અધિકારીઓને ત્રિરંગાના ફ્લેગબેઝ આપવામાં આવ્યા હતાં. અને તમામ સભ્યોએ ફલેગ બેઝ લગાડયા હતા. જેમાંથી મોટા ભાગના સદસ્યોએ ઊંધા ફલેગબેઝ લગાડ્યા હતા અને અના ફોટા સોશ્યલ મીડિલામાં વાયરલ થયા હતા. કહેવાય છે કે, કેટલાક સભ્યોને ફ્લેગબેઝ કઈ રીતે લગાવાય એની ખબર નહોતી. અને સભ્યોએ હસતા મોઢે ફોટા પણ પડાવ્યા હતાં. નોંધનીય છે કે, જિલ્લા પંચાયતના કુલ 36 સભ્યોમાંથી 9 સભ્યોએ ઊંધા ફ્લેગ બેઝ લગાવ્યાનું જોવા મળ્યુ હતુ.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લા પંચાયતની સાધારણ સભાના પ્રારંભે તિરંગાના ફલેગબેઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રિરંગા ઉત્સવ અંતર્ગત હર ઘર રાષ્ટ્રધ્વજ યોજનાને આવકારવા પોતાની રીતે આપવામાં આવેલા રાષ્ટ્રધ્વજના ફ્લેગ બેઝ લગાડવામાં આવ્યા હતાં. પરંતુ રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવવામાં આવે તેની જાણ સુદ્ધા ન હોય તેમ મોટા ભાગના જિલ્લા પંચાયતના સદસ્યોએ રાષ્ટ્રધ્વજના ફ્લેગબેઝને ઊંધા લગાવ્યા હતાં. અને તેમના ઘણા તો હસતા મોઢે ઊંધા લગાડેલા રાષ્ટ્રધ્વજને દર્શાવી ફોટોસેશન કરાવતા નજરે ચડ્યા હતા.
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂ. 3.76 કરોડના વિવિધ માળખાગત અનટાઇડ કામો, રૂા.1.85 કરોડના સફાળના કામો અને રૂ.1.87 કરોડના પાણીની પાઇપલાઇન, વાલ્વ, ચેકડેમ આર.ઓ. પ્લાન્ટ મુકવા સહિતના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત 15મા નાણાપંચની ખાસ સામાન્ય સભામાં રૂ. 45 કરોડના ખર્ચે નિર્માણ થનારા રાજકોટ જિલ્લા પંચાયતની નવી બિલ્ડીંગના ડીઝાઇનનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે. ફાઇનલ થયેલી ડીઝાઇનને સરકારમાં મોકલવામાં આવી છે. ડીઝાઇનર સરકારમાંથી મંજૂર થયા બાદ આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગ બનાવવાનું કાર્ય શરૂ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પશુઓમાં ફેલાઇ રહેલા લમ્પી વાયરસના રોગચાળા મુદ્દે જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસને રોકવા માટે જિલ્લા પંચાયત કરીબદ્ધ છે. તેમજ અત્યાર સુધીમાં 2.02 લાખ ડોઝ પશુઓને અપાઇ ચૂકયાં છે. આ ઉપરાંત ગુરૂવારે 17 હજાર પશુઓને વેકિસનના ડોઝ આપવામાં આવ્યાં હતા. જેમા જરૂરીયાત ઉભી થશે તે પ્રમાણે ડોઝ આપવામાં આવશે. તેમજ પશુઓને અપાતી વેકિસનના ડોઝનો જથ્થો પણ પુરતો છે.