રાજકોટઃ ગીરના વનરાજો શિકારની શોધમાં રેવન્યુ વિસ્તારોમાં આવી રહ્યા છે. સિંહોની વસતી સાથે એનો રહેણાક વિસ્તારામાં પણ વધારો થયો છે. અટલે જંગલની ચારે તરફ સિહો આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. જંગલના ધારી રેન્જમાં તો સિંહો છેક રાજુલા-પીપાવાવ, શેત્રુંજી નદીની કોતરો, પાલિતાથી લઈને છેક ભાવનગર સુધી સિંહોના પગરણ અવારનવાર જોવા મળી રહ્યા છે. જ્યારે સાસણગીરથી લઈને છેક રાજકોટ પંઠક સુધી સિંહના આંટાફેરા વધ્યા છે. શિકારની શોધમાં સિંહ ગોંડલના ગાંમડામાં લટાર મારી રહ્યા છે. અને તાલુકાના ઉમવાળા ગામે મોડી રાત્રે સિંહણે એક ગાયનું મારણ કર્યું હતું.
ગીરના સાવજો પ્રતિ વર્ષ શિયાળાની શરૂ આતમાં ગોંડલ પંથકમાં લટાર મારવા આવતા હોય છે ત્યારે ગોંડલ પંથકના છેવાડે આવેલા ઉમવાળા ગામે મોડી રાત્રીના સિંહ ત્રાટક્યો હતો અને એક ગાયનું મારણ કર્યું હતું. આ ઉપરાંત કોલીથડ ગામમાં સિંહે વાછરડી પર પણ હુમલો કર્યો છે. જેને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગોંડલ પંથકમાં સિંહ આવ્યાની ઘટનાની જાણ મોટા ઉમવાળા ગામના કેટલાંક ખેડૂતો દ્વારા વન વિભાગને કરાતા વનકર્મીઓએ ઉજળાની સીમમાં પહોંચી સિંહને કેદ કરવા પાંજરા ગોઠવ્યા હતા. સિંહનો પશુઓ ઉપર હુમલો અને મારણની ઘટનાને લઈ ઉમવાળા ગામ આસપાસના ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ શિયાળાની શરૂઆતમાં ગીરના સાવજો ગોંડલ પંથકની મહેમાનગતિ માણતા હોય ચાર વર્ષ પહેલાં તાલુકાના શિવરાજગઢ ગામે પણ સિંહ આવ્યો હતો અને એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. (file photo)