અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એક વર્ષનો સમય બાકી છે. ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શષરૂ કરી દીધી છે. ભાજપ પેજપ્રમુખની ફોર્મ્યુલા વિધાનસભાની ચૂંટણીમાં અપનાવશે તેવી સંભાવના છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો આ સૌથી મોટો ચૂંટણી દાવ હશે. રાજ્યમાં યોજાઇ ગયેલી સ્થાનિક ચૂંટણી પહેલાં પ્રદેશ પ્રમુખે પાર્ટીના સંગઠનમાં પેજપ્રમુખની ફોર્મ્યુલા શરૂ કરી હતી જેના કારણે પરિણામ ભાજપની તરફેણમાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 170થી વધુ બેઠકો મેળવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ત્યારે પેજ પ્રમુખની ફોર્મુલા કેટલી સફળ થાય છે તે એક પ્રશ્ન છે.
ભાજપના ધારાસભ્યોની તાજેતરમાં મળેલી બેઠકમાં પેજ સમિતિ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. હાલ ભાજપમાં 80 ટકા પેજ સમિતિનું કામ થયું છે. બે મહિનામાં પેજ સમિતિનું કામ પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં આ વર્ષે કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે ભાજપના ઉમેદવારો ટકરાવાના હોવાથી પેજ પ્રમુખની ફોર્મ્યુલા પર પ્રદેશ પ્રમુખ કામ કરી રહ્યાં છે, જેઓ મતદારોને બુથ પર લઇ જઇને કાર્યકરો ભાજપની તરફેણમાં મતદાન કરાવશે. પ્રમુખે ધારાસભ્યોને પણ પેજ પ્રમુખ બનાવવા પર ભાર મૂક્યો છે અને આદેશ પણ કર્યો છે.
ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે પેજ પ્રમુખ અને પેજ સમિતિઓનો દાવો ખેલ્યો હતો. પ્રદેશ પ્રમુખનો દાવો છે કે પેજ સમિતિના કારણે ભાજપને સૌથી વધુ બેઠકો મળી છે પરંતુ પેજ પ્રમુખ અને સમિતિનો દાવ વિધાનસભામાં ચાલે છે કે કેમ તે અંગે પ્રદેશના અન્ય આગેવાનો મૌન છે. હાલ જે ધારાસભ્યોને કામ આપવામાં આવ્યું છે તેમાં એ નિશ્ચિત નથી કે ભાજપ તેના તમામ ધારાસભ્યોને ફરીથી ટિકીટ આપશે. આ સંજોગોમાં ધારાસભ્યોને સોંપવામાં આવેલા કામ પૂર્ણ થાય તો પણ તેમના બનાવેલા પેજ પ્રમુખો બીજા ઉમેદવાર માટે કામ કરશે કે કેમ તેની શંકા છે. પાર્ટીનું એક જૂથ માને છે કે મતદારો સરકારની યોજનાઓથી આકષાર્ય છે પેજપ્રમુખના કારણે મત આપવા જતા નથી.