Site icon Revoi.in

રાજકોટમાં કાલે રવિવારે યોજાનારા ક્ષત્રિય સંમેલનમાં લાખોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડશે

Social Share

રાજકોટઃ લોકસભાની ચૂંટણી માટે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિવાદાસ્પદ ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ ટિકિટ પરત ખેંચવાની માગ કરી રહ્યો છે. સામે ભાજપ મક્કમ છે, અને રૂપાલા 16મીએ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા 14 એપ્રિલને રવિવારે રાજકોટ નજીક આવેલા રતનપર પાસે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થશે. રાજપૂત સંકલન સમિતિ દ્વારા સમાજના વ્હોટ્સએપ ગ્રૂપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી માહાસંમેલનમાં હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.

રાજપુત સંકલન સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યનાં વિવિધ શહેરોમાંથી 500થી વધુ લક્ઝરી બસો અને એક હજારથી વધુ ગાડીઓમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો રાજકોટના સંમેલનમાં પહોંચશે. અમદાવાદના બોપલ સહિત વિવિધ વિસ્તારોમાંથી 30થી વધુ લક્ઝરી બસો અને 100થી વધુ ગાડીઓમાં લોકો રાજકોટ ખાતે પહોંચશે. રાજકોટમાં રતનપર ખાતેના ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજપૂત સંકલન સમિતિ કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. લોકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે એને ધ્યાનમાં રાખી અને સમયસર સંમેલનમાં પહોંચવા અપીલ કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના યુવાનો સંમેલનમાં વ્યવસ્થા જળવાય રહે તે માટે સેવા આપશે. સમગ્ર ગુજરાતના અલગ-અલગ જિલ્લામાંથી આવતી કાર અને બસો વ્યવસ્થિત પાર્ક કરવી અને કોઈ અવ્યવસ્થા ન થાય એ માટે સહયોગ આપવા તેમજ સંમેલનના સમયથી પહેલાં સ્થળ પર આવી ગ્રાઉન્ડ પર રાખેલી બેઠક વ્યવસ્થા મુજબ બેઠક લઇ લેવી જણાવવામાં આવ્યું છે.

રાજપુત સંકલન સમિતિ દ્વારા સમાજના લોકોને સંમેલનના સંપૂર્ણ કાર્યક્રમને FACEBOOK/YOUTUBE પર live કરવા તેમજ મીડિયામાં કોઈપણ પ્રકારની બાઇટ નહીં આપવા તેમજ રસ્તામાં કોઈપણ સ્થળે નારાબાજી ન કરવાની અપીલ કરવામાં આવી છે. રસ્તામાં પોલીસ ટીમને સહયોગ કરવો અને કોઈ જગ્યા પર ટ્રાફિકજામ થાય એ રીતે વાહન પાર્ક કરવા નહીં. સંકલન સમિતિ દ્વારા આપેલાં સ્ટિકર/બેનર કાર અને બસના આગળ અથવા પાછળ ફરજિયાત લગાવવા જણાવવામાં આવ્યું છે. (file photo)