- 24 કલાકમાં 20,279 નવા કેસ નોંધાયા
- 36 દર્દીઓના કોરોનાથી થયા મોત
- સક્રિય કેસ 1.52 લાખને પાર
દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં દરરોજ વધઘટ જોવા મળે છે ત્યારે આજે ભારતમાં કોરોના સંક્રમણના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં આ વાયરસના કારણે 36 દર્દીઓના મોત થયા છે.આજે જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશભરમાંથી 20,279 નવા કેસ સામે આવ્યા બાદ હવે સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,38,88,755 થઈ ગઈ છે. તે જ સમયે, ચેપને કારણે અત્યાર સુધીમાં 5.26 લાખ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે,શનિવારની સરખામણીએ આજે ભારતમાં સંક્રમણના ઓછા કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક પણ પાછલા દિવસની સરખામણીએ ઓછો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા હવે વધીને 1,52,200 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.35 ટકા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19ના 18,143 દર્દીઓ સાજા પણ થયા છે, જે બાદ અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોનો આંકડો 4,32,10,522 પર પહોંચી ગયો છે. મંત્રાલયે કહ્યું કે દેશમાં રિકવરી રેટ 98.45 ટકા છે. જ્યારે મૃત્યુઆંક 1.20 છે. ભારતમાં સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,26,033 દર્દીઓના મોત થયા છે.જેમાંથી 36 મોત શનિવારે જ થયા હતા.
ઉલ્લેખનીય છે કે,દેશમાં કોરોનાના કેસોની રફતાર યથાવત છે.હજુ પણ દરરોજ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.સાથે જ સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે.દરરોજ લાખોની સંખ્યામાં કોરોનાની વેક્સિન લોકોને આપવામાં આવી રહી છે.