1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 45 લાખ ભણતા બાળકોને સંજીવની યોજના હેઠળ ફ્લેવર્ડ દૂધ અપાયું

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 45 લાખ ભણતા બાળકોને સંજીવની યોજના હેઠળ ફ્લેવર્ડ દૂધ અપાયું

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત સહિત ભારતભરમાં સપ્ટેબર માસને પોષણ માસ તરીકે વિવિધ રીતે ઉજવવામાં આવે છે ત્યારે આદિજાતિ વિસ્તારના બાળકોના પોષણ માટે ગુજરાત સરકારની ‘દૂધ સંજીવની યોજના’ સાચા અર્થમાં ‘સંજીવની’ સાબિત થઇ છે. ‘સ્વસ્થ્ય મન માટે સ્વસ્થ્ય શરીર જરૂરી છે’ આ મંત્રને સાકાર કરવાના ઉમદા હેતુથી આદિજાતિ વિસ્તારો તેમજ વિકાસશીલ તાલુકાઓમાં પ્રાથમિક શાળાના ભૂલકા-બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા સ્વાદિષ્ટ ફ્લેવર્ડ દૂધ આપતી ‘દૂધ સંજીવની યોજના’ અમલી બનાવી છે. ગુજરાતમાં આદિજાતિના 14 જિલ્લાના ધોરણ-1 થી 8માં અભ્યાસ કરતા બાળકોને વર્ષ 2017-18 થી 2022-23  દરમિયાન કુલ 45,52,486 બાળકોને વધુને વધુ પોષણયુક્ત બનાવવા દૂધ સંજીવની યોજના હેઠળ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવ્યું છે.

તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આદિજાતિ વિસ્તારના ધોરણ-1 થી 8ના બાળકોને નાની વયે જ પોષણક્ષમ આહાર આપવાના ઉદ્દેશ્ય સાથે આ યોજનાનો તા. 9 ફેબ્રુઆરી 2007ના રોજ ગુજરાતમાં સૌ પ્રથમ દાંતા અને અમીરગઢ તાલુકાથી શુભારંભ કરવામાં આવ્યો હતો. માત્ર બે તાલુકાથી શરૂ થયેલી આ યોજનામાં હવે અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના કુલ- ૫૨ તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગત વર્ષ 2022023માં આ યોજના હેઠળ રૂ. 4,124 લાખના ખર્ચે આદિજાતિ વિસ્તારના ધોરણ-1 થી 8માં અભ્યાસ કરતા 8,724 ૮ શાળાઓના કુલ 7.64  લાખથી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ વર્ષ 2017-18 થી 2022-23 સુધીમાં વર્ષ 2021-22ને બાદ કરતા કુલ રૂા. 45,541 લાખથી વધુના ખર્ચે કુલ 45,52,486 આદિજાતિ બાળકોને આવરી લેવાયા છે.

યોજનાની સફળતાને કેન્દ્ર સ્થાને રાખીને બાળકોના હિતમાં ‘દૂધ સંજીવની યોજના’ માટે ચાલુ વર્ષના બજેટમાં ગુજરાત સરકારે કુલ-52  આદિજાતિ તાલુકાના અંદાજે કુલ 8 લાખ બાળકોને શારીરિક અને માનસિક પોષણ મળી રહે તે માટે રૂ. 144 કરોડથી વધુ રકમની માતબર જોગવાઈ પણ કરી છે.

‘દૂધ સંજીવની યોજના’ હેઠળ આદિવાસી તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં વધુને વધુ સુધારો કરવા વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ તેમજ ક્ષાર જેવા તત્વોની ઉણપ હોય તો તે દૂર કરીને આરોગ્યમાં સુધારો લાવવા વિદ્યાર્થીઓને બાળકદીઠ અઠવાડિયાના પાંચ દિવસ વર્ષના 10 માસ એટલે કે વાર્ષિક 200 દિવસ ફ્લેવર્ડવાળું 200 ગ્રામ ચોખ્ખું દૂધ આપવામાં આવે છે. આ 3 ટકા ફેટવાળા દૂધમાં નિયમિત 24 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 7 ગ્રામ પ્રોટીન, 500 IU વિટામીન-એ અને 40 IU વિટામીન-ડી ઉમેરીને ગુણવતાયુક્ત દૂધ બાળકોને આપવામાં આવે છે.

ગુજરાતમાં ‘દૂધ સંજીવની યોજનાના’ અમલથી આ વિસ્તારના આદિજાતિ બાળકોના સ્વાસ્થ્ય ઉપર કેવા પ્રકારની હકારાત્મક અસરો-ફાયદા થયા છે તેનો વર્ષ 2019માં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વિગતવાર અભ્યાસ કરાયો હતો. અભ્યાસના તારણમાં આ વિસ્તારની શાળાઓમાં બાળકોના ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો, અધવચ્ચેથી શાળાઓ છોડી જતા બાળકોના પ્રમાણમાં ઘટાડો,બાળકોની હાજરીની નિયમિતતામાં વધારો,બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો તેમજ ખાસ કરીને આંખોમાં તેજ અને દ્રષ્ટિમાં વધારો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આદિજાતિ વિકાસ ઉપરાંત મહિલા-બાળ વિકાસ તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી વર્ષ  2022-23માં આ યોજના હેઠળ સૌથી વધુ બાળકોને લાભ આપવામાં પ્રથમ પાંચ જિલ્લાઓમાં સૌથી વધુ 1.84  લાખ બાળકો સાથે સમગ્ર રાજ્યમાં દાહોદ પ્રથમ ક્રમે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code