Site icon Revoi.in

વિકસિત ગણાતા ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 64 બાળલગ્નો અટકાવાયા

Social Share

ગાંધીનગરઃ દેશમાં બાળલગ્નો સામે પ્રતિબંધ હોવા છતાંયે સમાજમાં ઘણીબધી જ્ઞાતિઓ એવી છે કે, બાળલગ્નો થઈ રહ્યા છે. બાળલગ્નો સામે સમાજ કલ્યાણ વિભાગ સહિત તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા હોય છે. પરંતુ ઘણા અંતરિયાળ વિસ્તારોમાં બાળલગ્નો યોજાય તો પણ તંત્રને જાણ થતી નથી. ગુજરાતમાં 5 વર્ષમાં 64 જેટલાં બાળલગ્નો અટકાવવામાં આવ્યા છે.
ગુજરાત પ્રગતિશીલ રાજય ગણાતું હોવા છતાં હજુ પણ બાળ વિવાહની ઘટનાઓ બની રહી  છે અને તંત્રને જાણકારી મળતા તેને અટકાવાય છે પરંતુ તે સિવાય પણ મોટી સંખ્યામાં બાળલગ્નો કરાવાતા હોવાની આશંકા છે 2018 થી 2022 સુધીના પાંચ વર્ષમાં કુલ 64 બાળલગ્નો થતા તંત્ર દ્વારા અટકાવાયા હતા.દેશના અનેક રાજયમાં મોટાપાયે બાળલગ્ન થતા હોય છે તે યાદીમાં ગુજરાત જેવું વિકસિત રાજય પણ જોડાયું છે.

ગુજરાત સહિત અન્ય રાજયમાં છોકરો કે છોકરી પુખ્ત વયની થાય તે પહેલા જ તેમને પરણાવી દઈ બાળ લગ્ન કરાવાતા હોવાની માહિતી લોકસભામાં એક સવાલના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવી હતી. બાળ વયે થતા વિવાહ અટકાવવા માટે બાળ કલ્યાણ વિભાગ, જિલ્લા બાળ સંરક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવતો હોય છે. વર્ષ 2022ના વર્ષમાં જ 1002 કિસ્સામાં બાળલગ્ન અંગેના ગુના દેશભરમાં નોંધાયેલા છે. જેમાં ગુજરાતમાં 2018માં 8, વર્ષ  2019માં 20, વર્ષ 2020માં 15, વર્ષ 2021માં 12 અને વર્ષ 2022માં 9 કિસ્સામાં બાળલગ્નો કરાવાતા અટકાવી ગુનો નોંધવામાં આવ્યો છે. એક તરફ ગુજરાત જેવા રાજયમાં બાળલગ્ન થતા હોવાના કિસ્સા અનેક વખત બહાર આવે છે. કેટલીક જ્ઞાતિઓમાં હજુ પણ  આવું ચલણ છે.

દેશમાં મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ સિકકીમ, લડાખ, આંદામાન-નિકાબાર જેવા અને રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક પણ બાળલગ્ન થતા ન હોવાની માહિતી આપવામાં આવી હતી. જ્યારે આસામ, હરિયાણા, કર્ણાટક, ઓરિસ્સા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગોવા, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં મોટી સંખ્યામાં બાળલગ્ન કરાવાતા હોવાના ગુના નોંધાયા છે. જેમાં કર્ણાટક મોખરે છે જયાં વર્ષે 200થી વધુ કિસ્સા પણ નોંધાયા છે છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ, સહિતના રાજયોમાં મોટા રાજયની સરખામણીમાં બાળલગ્નનું પ્રમાણ ઓછું છે રાજયમાં અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા ઝુંબેશ ચલાવતી હોવા છતાં વખતોવખત બાળલગ્નો થતા હોવાના કિસ્સા બહાર આવતા હોય છે.