Site icon Revoi.in

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં 15થી 18 વર્ષના 11 લાખ બાળકોને કોરોના વેક્સિન અપાઈ

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના વધતા કેસ સામે સરકારે વેક્સિનેશન ઝૂંબેશ શરૂ કરી છે. ઉપરાંત 15થી 18 વર્ષ સુધીના તમામ સગીરોને વેક્સિન આપવાનું છેલ્લા બે દિવસથી શરૂ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં 30 લાખ જેટલાં બાળકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક છે, જેમાંથી 40 ટકા ટાર્ગેટ તો પહેલા બે દિવસમાં 11 લાખ બાળકને વેક્સિન સાથે જ પૂરો થઈ ગયો છે. આ રીતે વેક્સિનેશન ડ્રાઈવ પુરજોશમાં ચાલુ રહેશે તો એક સપ્તાહમાં જ 15-18 વર્ષની વયનાં કિશોરોને કોવેક્સિનનો પહેલો ડોઝ આપવાનું લક્ષ્ય પૂર્ણ થઈ જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં પછાત ગણાતા બનાસકાંઠા અને કચ્છ જેવા જિલ્લાઓમાં બાળકોના વેક્સિનેશન બાબતે જોરદાર શરૂઆત થઈ છે. એમાં પણ પહેલા દિવસે તો કચ્છ જિલ્લામાં 42,877 બાળકને વેક્સિન અપાઈ હતી. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ પહેલા દિવસે 32 હજાર જેટલાં બાળકોનું રસીકરણ થયું હતું. આ બંને જિલ્લામાં બે દિવસમાં 60-60 હજાર જેટલાં 15-18 વયજૂથનાં બાળકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. બાળકોના વેક્સિનેશનના આ રાઉન્ડમાં અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, આણંદ અને મહેસાણા જિલ્લામાં પહેલાં કરતાં બીજા દિવસે વધુ વેક્સિન અપાઈ હતી. આ ઉપરાંત ભાવનગર, ગાંધીનગર, ભરૂચ, ગીર-સોમનાથ સહિતના જિલ્લાઓમાં પણ પહેલાંની તુલનામાં બીજા દિવસે વધુ બાળકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, બાળકોમાં વેક્સિનેશન મામલે ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર સહિતના આદિવાસી વસતિવાળા જિલ્લાઓમાં હજી ધાર્યા મુજબની ગતિ પકડાઈ નથી. અહીં માંડ 5 હજાર સુધીના 15-18 વર્ષની વયજૂથનાં બાળકોને કોવેક્સિન અપાઈ રહી છે. એમાં પણ ડાંગમાં તો બીજા દિવસે 1 હજારથી પણ ઓછા બાળકોને રસી આપી શકાઈ હતી. આ કારણે હવે સરકાર દ્વારા આ જિલ્લાઓમાં વેક્સિનની ગતિ વધારવા માટેના પ્રયાસો કરવામાં આવશે. હાલ રાજ્યમાં ચાલી રહેલા બાળકોના વેક્સિનેશન કેમ્પેનની સફળતાનું મુખ્ય કારણ સ્કૂલમાં રસી આપવાનો નિર્ણય હોય એમ લાગી રહ્યું છે. તદુપરાંત શાળાએ ન જતાં 15થી 18 વર્ષનાં બાળકોને વેક્સિન તો અપાશે જ, પરંતુ એ તેમના ઘરે જઈને અપાશે. આ માટે રાજ્યભરમાં 30 લાખથી વધુ બાળકોનો ડેટા આરોગ્ય વિભાગ પાસે ઉપલબ્ધ છે, એ તમામને આવરી લેવાશે.