Site icon Revoi.in

છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું: અમિત શાહ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 89 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન સવારે પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગ્રુહ મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. હું તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોને, વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું, જેનો દરેક ભારતીયને ગર્વ છે, પરંતુ ગુજરાતની જનતાએ ચૂંટેલી મજબૂત સરકારને કારણે આ શક્ય બન્યું છે. પ્રથમ તબક્કાના મતદારોને અપીલ કરું છું કે વિકાસની આ યાત્રા ચાલુ રાખવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને મોટી સંખ્યા સાથે મતદાન કરીએ.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાવી રહ્યું છે. રાજ્યમાં શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ માટે મોટી સંખ્યામાં પ્રજાએ મતદાન કરવું છે. પ્રગતિનો આ મુખ્ય પાયો છે. લોકતંત્રના તહેવારમાં આપની ભાગીદારી વિકસિત ગુજરાતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યારે હું સૌ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરી લોકતંત્રને મજબૂત બનાવવા યોગદાન આપવાની અપીલ કરું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સંદર્ભે મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી શુભકામના પાઠવી છે.