સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણીપંચે અપક્ષ ઉમેદવારો માટે 162 પ્રતિકો કર્યાં નિશ્ચિત
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપરાંત અનેક રાજકીય આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેથી આ અપક્ષ ઉમેદવારોને ચૂંટણીના પ્રતિક આપવામાં આવ્યાં છે. અત્યાર સુધી ઉમેદવારોને ઉગતો સૂરજ, થાળી, ફુલ સહિતના પરંપરાગત પ્રતિકો આપવામાં આવતા હતા. જો કે, આધુનિક જમાનામાં ચૂંટણીપંચ દ્વારા પ્રથમવાર રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં અપક્ષ ઉમેદવારોને મોબાઈલ ફોન, લેપટોપ, હેલ્મેટ સહિતના ચૂંટણી ચિન્હો આપ્યાં છે. અપક્ષ ઉમેદવારો માટે 162 જેટલા પ્રતિકો નિશ્ચિત કરવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ વખત ગુજરાતમાં હવે ગ્રામીણ ક્ષેત્રમાં પણ લેપટોપ, હેડફોન, મોબાઇલ, સીસીટીવી, ફોન ચાર્જર, હેલ્મેટ સહીતના અનેક પ્રતીકો જોવા મળી રહયા છે. ચુંટણી પંચે જે નવા પ્રતીક અપનાવ્યા છે તેમાં પણ હવે આજના સમયમાં રોજબરોજના સમયમાં વપરાતા ઇલેકટ્રોનીક ગેજેટની સંખ્યા વધુ છે. આ મુકત પ્રતિકો અપક્ષો અને અન્ય નાના પક્ષોને કે જે ચુંટણી સમયે બન્યા હોય તેઓને ફાળવવામાં આવે છે.
રાજકીય પક્ષોના પ્રતીક અગાઉથી નિશ્ર્ચિત હોય છે. ચુંટણી પંચે આ ચુંટણીમાં કુલ 162 પ્રતીકો અપક્ષ ઉમેદવારો માટે નિશ્ર્ચિત કર્યા હતા. જેમાં પેનડ્રાઇવ, કોમ્પ્યુટર માઉસ, કેમેરા, નુડલ બાઉલ, વેકયુમ કલીનર, નો પણ સમાવેશ થયો છે. ગુજરાતમાં નાની મોટી પ3 રાજકીય પાર્ટી નોંધાયેલી છે. કોંગ્રેસ અને ભાજપ તથા આમ આદમી પાર્ટી ના ચુંટણી પ્રતીકો તો અત્યંત જાણીતા છે. પરંતુ હવે મતદારોને ધ્યાનમાં ઇવીએમમાં આ નવા પ્રતીકો પણ જોવા મળશે. મતદારોને પ્રતીક ઓળખવામાં કોઇ મુશ્કેલી પડશે નહી તેવુ માનવામાં આવે છે.