દિલ્હીઃ ભારતની સરહદ ક્રોસ કરીને ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરતા પાકિસ્તાની યુવાનને બીએસએફના જવાનોએ ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં પાકિસ્તાની યુવાન મહંમદ અહમરને મુંબઈની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેને પામવા માટે બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ધુસવાનો પ્રયાસ કરતો હોવાનું ખુલ્યું છે. બીજી તરફ મુંબઈની યુવતીએ પાકિસ્તાન સાથે મિત્રતા છે પરંતુ પ્રેમ સંબંધને લઈને ગંભીર નહીં હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે પાકિસ્તાની યુવાનની ઊંડાણપૂર્વકની પૂછપરછ આરંભી છે.
તપાસનીશ અધિકારીઓના કહેવા પ્રમાણે, પાકિસ્તાની યુવાન મહંમદ અહમર (ઉ.વ. 21)ને ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી રૂ. 500 મળ્યાં હતા, પરંતુ કોઈ હથિયાર મળ્યું ન હતું, પરંતુ તેણે પોતાની પ્રેમકહાણી વર્ણતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. અહમર તથા ભારતીય યુવતીની વચ્ચે ફેસબુક પર મિત્રતા થઈ હતી અને ફેસબુક પર તેઓ કલાકો સુધી વાતો કરતા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીએ મુંબઈ આવવાનું કહેતા અહમર પ્રેમિકાને મળવા માટે ઘરેથી નીકળ્યો હતો. તેમે વિઝા માટે અરજી આપી હતી, પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી, એટલે તેમણે સરહદ પાર કરવાનો નિર્ણય કર્યો હતો. યુવાન પ્રેમિકાને મળવાની ઇચ્છા સાથે બહાવલપુર પાસેની રાજસ્થાન સાથે જોડાયેલી પાકિસ્તાની સરહદ પર પહોંચ્યો હતો. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં અનુપગઢ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી હતી. દરમિયાન પેટ્રોલીંગ કરતા બૉર્ડર સિક્યૉરિટી ફૉર્સના જવાનોએ તેને ઝડપી લીધો હતો. રાજસ્થાન પોલીસે પાકિસ્તાની યુવાનના દાવાની તપાસ કરવા માટે કવાયત શરૂ કરી છે. તેમજ મુંબઈ રહેતી યુવતીનો પણ સંપર્ક કર્યો હતો. યુવતીએ અહમર સાથે સંપર્ક પોતાની વાતની કબુલાત કરી હતી. જો કે, તેની સાથેના પ્રેમને લઈને ગંભીર નહીં હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસ તપાસમાં યુવાન નિર્દોષ છે એવું સાબિત થઈ જશે એટલે બીએસએફ તથા પાકિસ્તાની રેન્જર્સની વચ્ચે ફ્લૅગ મીટિંગ થશે.