નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP) મહિલા મોરચાના દિલ્હી એકમે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલ સાથેના કથિત ગેરવર્તણૂકને લઈને સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા મોરચાના પ્રમુખ રિચા પાંડે મિશ્રાની આગેવાની હેઠળ બંગડી પહેરેલા દેખાવકારોએ કેજરીવાલના સહયોગી વિભવ કુમાર દ્વારા માલીવાલના કથિત ગેરવર્તણૂક અંગે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી.
રિચા પાંડે મિશ્રાએ કહ્યું કે, માલીવાલ સાથેની ઘટના અંગે મૌન ધારણ કરનાર કેજરિવાલને બંગડીઓ આપવા માટે મહિલા મોરચો તેમના નિવાસસ્થાન પાસે ઉમટી પડ્યો છે.દિલ્હી પોલીસે ગુરુવારે માલીવાલ સાથે કથિત અભદ્રતાના સંબંધમાં FIR નોંધી હતી, જેમાં કેજરીવાલના અંગત સહાયક વિભવ કુમારને આરોપી બનાવવામાં આવ્યા હતા.
અધિક પોલીસ કમિશનર પીએસ કુશવાહાની આગેવાની હેઠળની બે સભ્યોની ટીમ દ્વારા માલીવાલનું નિવેદન નોંધવામાં આવ્યા બાદ FIR નોંધવામાં આવી હતી. પોલીસ ટીમ ગુરુવારે લગભગ સાડા ચાર કલાક સુધી મધ્ય દિલ્હીમાં માલીવાલના ઘરે હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ આ મામલે શુક્રવારે કુમારને સમન્સ પાઠવ્યું હતું.
આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન સ્વાતી માલીવાલ સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલના અંગત સહાયક કુમારે અયોગ્ય વર્તન કર્યાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે. તેમજ આ મામલે ભાજપા દ્વારા આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલને ઘેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સ્વાતી માલીવાલના પૂર્વ પતિએ પણ આપના નેતા સંજ્ય સિંહ સામે આકરા પ્રહાર કર્યાં હતા.