Site icon Revoi.in

ડીસા વિસ્તારની આંબાવાડીઓમાં આંબા પર મોર બેઠા, કેરીનો પાક સારો થવાની ખેડુતોને આશા

Social Share

ડીસાઃ બનાસકાંઠાનો ડીસા વિસ્તાર આમ તો બટાટાની ખેતી માટે જાણીતો છે. પણ ઘણા ખેડુતો બાગાયત ખેતી તરફ પણ વળ્યા છે. અને આંબાવાડીઓ બનાવી છે. જેમાં આંબાઓ પર સારા પ્રમાણમાં મોર બેસતા  વખતે કેરીનું સારૂ ઉત્પાદન થાય એવી ખેડુતો આશા રાખી રહ્યા છે. હાલમાં આંબાઓ મ્હોરથી ઘટાટોપ બનીને લચી રહ્યા છે. જો કોઈ માવઠું, વાવાઝોડું કે કુદરતી આપત્તિ નહીં આવે તો આગામી સમયમાં આંબાઓ કેરીથી ખીલી ઉઠશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેસર કેરીની ખેતી  આમ તો કાઠીયાવાડ, કચ્છ અને વલસાડમાં થાય છે. જોકે બનાસકાંઠાના ડીસા સહિત અનેક વિસ્તારોમાં પણ અને ખેડૂતોએ પ્રમાણ સર કેરીનું વાવેતર કરેલું છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની જૂદી જૂદી જગ્યાઓ પર પણ આંબાના અનેક ઝાડ આવેલા છે. ત્યારે છેલ્લા બે વર્ષથી  આંબા પર મ્હોર બેસવાના સમયે જ કમોસમી માવઠા કે વાવાઝોડાના કારણે મ્હોર ખરી જતો હતો તેમજ સડી જતો હતો. જેના કારણે કેરીનું નહિવત જેવું જ ઉત્પાદન  મળતું હતું. જોકે આ વર્ષે આંબાઓ મ્હોરથી લચી રહ્યા છે. જેથી હવે કોઈ કુદરતી આપત્તિ નહીં નડે તો મોટા પ્રમાણમાં કેરીનો પાક થશે.

આ અંગે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડૉ. યોગેશ પવારના જણાવ્યા મુજબ, ડીસામાં અંદાજિત 10,000થી વધુ આંબાના ઝાડ આવેલા છે. જ્યારે બનાસકાંઠામાં પણ 50,000થી વધુ આંબાના ઝાડ આવેલા છે. જ્યારે અમીરગઢથી લઈ અંબાજી દાંતાના ડુંગરાળ વિસ્તારોમાં પણ કુદરતી રીતે આંબા ઉગેલા છે. જેના પર પણ મોટા પ્રમાણમાં કેરીઓ આવે છે. કાઠીયાવાડ અને કચ્છમાં વાતાવરણને અનુકૂળ એક આંબા પર 150, 200 કે 250 મણ કેરીઓ આવતી હોય છે. ત્યારે બનાસકાંઠામાં સામાન્ય રીતે એક આંબાના ઝાડ પર 100 મણ જેટલો ઉતારો આવતો હોય છે, પરંતુ જો મ્હોર આવે ત્યારે યોગ્ય માવજત કરાય તો 150થી 200 મણ જેટલો ઉતારો પણ લઈ શકાય તેમ છે. બનાસકાંઠામાં કોઈ એક જ જાતની નહીં પરંતું કેસર, દેશી, બદામ, રાજાપુરી જેવી અલગ અલગ જાતની કેરીઓના આંબા આવેલા છે. આ વર્ષે દરેક આંબા પર મ્હોરનું પ્રમાણ ખૂબ જ વધુ છે જેથી ઉતારો સારો મળે તેવી આશા છે.