Site icon Revoi.in

રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં તા. 11થી 17 નવેમ્બર સુધી દિવાળીની રજા, હરાજી બંધ રહેશે

Social Share

રાજકોટઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. સરકારી કચેરીઓમાં પણ શનિવારથી રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા તા.11મીથી 17 નવેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે. એટલે કે, આગામી શનિવારથી યાર્ડ બંધ થશે અને તારીખ 17 નવેમ્બરના રોજ લાભ પાંચમથી ફરી ખુલશે. જોકે શાકભાજી વિભાગનું કામકાજ તારીખ 13થી17 બંધ રહેશે. જ્યારે બટેટા વિભાગમાં તારીખ 12થી 15મી નવેમ્બર સુધી અને  ડુંગળી વિભાગમાં તારીખ 13થી17  નવેમ્બર તેમજ ઘાસચારા વિભાગમાં 12થી15 નવેમ્બર રજા રાખવામાં આવશે. તારીખ 18 નવેમ્બરથી યાર્ડની સંપૂર્ણ કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હાલ ખરીફ પાકની આવક સારીએવી થઈ રહી છે. મંગળવારે માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ અને સોયાબીનની મબલક આવક થઈ હતી. યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી રાજકોટ સહિત આસપાસના ગામોના ખેડૂતો અહીંયા પોતાનો પાક વેચવા માટે આવે છે. ત્યારે દિવાળીના તહેવાર પર માર્કેટ યાર્ડ બંધ હોવાથી માર્કેટ યાર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

દિવાળી અને નૂતન વર્ષના તહેવાર નિમિત્તે માર્કેટ યાર્ડમાં ખરીદ વેચાણ સહિત હરરાજીનું કામકાજ બંધ રહેશે જેની યાર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ 11થી 17 નવેમ્બર સુધી મુખ્ય યાર્ડ બેડી બંધ રહેશે જ્યારે શાકભાજી વિભાગ સબ યાર્ડ 13થી 17 નવેમ્બર સુધી બંધ રહેશે. બટાકા વિભાગ સબ યાર્ડ 12થી 15 તારીખ સુધી બંધ રહેશે. ડુંગળી વિભાગ 13થી 17 તારીખ સુધી બંધ રહેશે જ્યારે ઘાસચારા વિભાગ 13થી 15 તારીખ સુધી બંધ રહેશે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં મંગળવારે  6,000 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ 1,300થી લઈને 1,525 રૂપિયા ભાવ મળ્યો હતો. કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં સોયાબીનની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ હતી. સોયાબીનની આવક 3 હજાર 800 ક્વિન્ટલ થઈ હતી. સોયાબીનનો ભાવ 900થી 977 રૂપિયા મણનો બોલાયો હતો.