Site icon Revoi.in

ગાંધીનગર જિલ્લા પંચાયતની સભામાં અધિકારીને દંડના મુદ્દે માહોલ ગરમાશે

Social Share

ગાંધીનગરઃ  જિલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી તા. 3જી ઓક્ટોબરના રોજ યોજાશે. જેમાં અધિકારીને કરાયેલો માત્ર રૂપિયા એકનો દંડનો મુદ્દો રેકર્ડ પર નહીં લેવા મામલે વિપક્ષ દ્વારા વિરોધ સાથે સત્તાપક્ષને ભીંસમાં લેવાની તૈયારીઓ કરવામાં આવી છે. જેના કારણે સામાન્ય સભામાં ગરમા ગરમી થાય એવી શક્યતા છે.

ગાંધીનગર જિલ્લા પંચાયતની ગત જુલાઇમાં મળેલી સામાન્ય સભામાં કર્મચારીઓ સાથે અધિકારી દ્વારા કરવામાં આવેલી ગેર વર્તણૂંક મામલે શાસક અને વિપક્ષ બંને દ્વારા પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી. અધિકારીને એકતરફી છુટા કરવા ઉપરાંત એક રૂપિયાનો દંડ કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. પરંતુ 1 રૂપિયાના દંડનો મુદ્દો રેકર્ડ પર લેવામાં આવ્યો ન હતો. વિપક્ષની આ જ મુખ્ય માંગણી હતી ત્યારે તેને રેકર્ડ પર લેવામાં નહીં આવતાં આગામી 3જીની સામાન્ય સભામાં આ મુદ્દે વિરોધ કરવાની તૈયારી વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સુધારેલા બજેટને મંજુરી, સમિતિઓની કાર્યવાહી નોંધ ઉપરાંત ગત સભાના ઠરાવોને બહાલી આપવા સહિતના મુદ્દાઓ એજન્ડામાં સમાવવામાં આવ્યાં છે. જેના પર ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. પરંતુ વિપક્ષ દ્વારા 1 રૂપિયાના દંડના મુદ્દે વિરોધ કરાશે તે નક્કી છે.