અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેમજ પર્યાવરણના જતન માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ભારતમાં પણ સરકાર દ્વારા વૃક્ષા રોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જો કે, સુરતની એક શેરીમાં વસવાટ કરતા 40 પરિવારોએ પર્યાવરણના જતન માટે અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. શેરીમાં એક-બે નહીં પરંતુ 200 જેટલા ફુલ-છોડ અને વક્ષનું વાવેતર કર્યું છે.
ગુજરાતની ડાયમન્ડ નગરી સુરતમાં મોટી સંખ્યામાં હીરા અને કાપડાના કારખાના ધમધમે છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક વર્ષોમાં સુરતનો વિકાસ થયો છે. તેમજ કોંક્રેડની ઉંચી ઈમારતો જોવા મળે છે. ત્યારે કોંક્રેડના જંગલ વચ્ચે એક શેરી એવી છે જ્યાં મોટી સંખ્યામાં ફુલ-છોડ અને વૃક્ષ છે. જેથી સ્થાનિકો આ શેરીને ગ્રીન શેરી તરીકે પણ ઓળખે છે.
સુરત કોર્પોરેશનનો સેન્ટ્રલ ઝોન એરિયા જુના ગીચ મકાનોની શેરીઓ અને મહોલ્લાથી ભરેલો છે. અહીં ઘર આંગણે પણ પાર્કિંગ કરવું લોકો માટે મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં મહિધરપુરા વિસ્તારમાં આવેલ કુંભાર શેરીના સ્થાનિકોએ પોતાની સમસ્યાઓને બાજુમાં મુકીને પર્યાવરણની ચિંતા કરી છે. અહીં 40 મકાનોની વચ્ચે 200 જેટલા નાના મોટા છોડ અને વૃક્ષ વાવવામાં આવ્યા છે.
સાંકડી શેરી હોવાથી જ્યાં જગ્યા મળી ત્યાં અને જગ્યા ન મળી તો લાકડાના સ્ટેન્ડ બનાવીને પણ કુંડા મૂકીને ફૂલ છોડ ઉછેરવામાં આવ્યાં છે. અહીં 20 પ્રકારના છોડ અને આસોપાલવ, પામ ટ્રી, સ્પાઇડર ટ્રી, અન્ય સુગંધિત ફૂલો ઉછેરવામાં આવ્યા છે. ફુલ-છોડ અને ઝાડના જનત માટે સ્થાનિક યુવાનો કામ વહેંચીને માવજત પણ કરે છે. નિયમિત ખાતર પાણી આપીને તેને મેઇન્ટેઇન કરવા સમય ફાળવે છે.