મહારાષ્ટ્રઃ બે વખત મહાવિકાસ અઘાડીના નેતાઓએ ઠાકરેને રાજીનામું આપતા અટકાવ્યાં
મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું છે. તેમણે બે વખત રાજીનામું આપવાનું વિચાર્યું, પરંતુ બંને વખત ગઠબંધનના નેતાએ તેમને રોક્યા હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જે દિવસે એકનાથ શિંદે તેમના સમર્થકો સાથે સુરત ગયા હતા. તે જ દિવસે સાંજે 5 વાગે ફેસબુક લાઈવ પર ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું હતું. પરંતુ એમવીએ સરકારના એક મોટા નેતાના કહેવા પર તેણે રાજીનામુ આપવાનું મોકૂફ રાખ્યું હતું. આ કારણોસર ફેસબુક લાઈવ અડધો કલાક મોડું શરૂ થયું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર બીજા દિવસે ઉદ્ધવ ઠાકરેએ સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું હતું. તેથી જ તેમણે સચિવોની બેઠક પણ બોલાવી હતી જેથી તેમનો અંતિમ આભાર માની શકાય. પરંતુ MVAના તે મોટા નેતાને જાણ થતાં જ તેણે ફરીથી ખુલાસો કર્યો અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા અટકાવ્યા હતા.
મહારાષ્ટ્રનું રાજકીય સંકટ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયું છે. સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે શિવસેનાના બળવાખોરોને તાત્કાલિક રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ગેરલાયકાતની નોટિસનો જવાબ આપવા માટે 14 દિવસનો સમય આપ્યો છે. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવીને પાંચ દિવસમાં જવાબ માંગ્યો છે. કોર્ટ હવે આ મામલે 11 જુલાઈએ સુનાવણી કરશે.