નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલી સૈન્ય કાર્યવાહીનો આજે 11મો દિવસ છે. આજે પણ રશિયા દ્વારા યુક્રેનના વિવિધ વિસ્તારમાં બોમ્બ મારો કરવામાં આવ્યો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાત કરી હતી. તેમજ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે. પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વચ્ચે યુક્રેનની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સકી સાથે લગભગ 35 મિનિટ સુધી વાત કરી હતી. બંને નેતાઓએ યુક્રેનની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે સતત વાતચીત માટેના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. ઝેલેન્સકી બાદ તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ વાત કરશે.
ઝેલેન્સકી સાથેની તેમની વાતચીત દરમિયાન, તેમણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બચાવવા માટે યુક્રેનની સરકારને મદદ કરવા બદલ ઝેલેન્સકીનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તેમને આશા છે કે યુક્રેનની સરકાર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવાના પ્રયાસોમાં મદદ કરતી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને બચાવવા માટે કેન્દ્ર સરકાર ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ ઓપરેશન દરમિયાન અનેક વિદ્યાર્થીઓને સહીસલામત પરત લાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.