અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થયા હતા. આ દૂર્ઘટના બાદ અનેક ક્ષતિઓ ઉજાગર થઈ હતી. જેના લીધે સરકાર પર માછલાં ધોવાયા હતા. દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ સુઓમોટો દાખલ કરીને સરકારી તંત્ર પાસે જવાબ માગવામાં આવ્યો હતો. અને આજે મંગળવારે તેની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અણિયારા પ્રશ્નો કર્યા હતા. ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે રાજ્યના ચીફ સેક્રેટરીને પ્રશ્ન કર્યા હતો કે “શા માટે એક જાહેર પુલના સમારકામ માટે ટેન્ડરપ્રક્રિયા હાથ ધરાઈ નહોતી? શા માટે બીડ આમંત્રિત કરાયું નહોતું? રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે આ સંબંધે કોઈ ટેન્ડર જ બહાર ન પાડ્યું અને સીધેસીધી કામની બક્ષિસ આપી દીધી. મોરબીની નગરપાલિકા એક સરકારી સંસ્થા છે અને તેણે પણ ફરજચૂક કરી હતી. શું મોરબી નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, 1963નું પાલન કર્યું હતું? આના પરિણામે 135 લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયાં હતાં. હાઈકોર્ટે ઓર્ડરમાં નોંધ પણ કરી હતી. હવે આગામી બુધવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે
ગુજરાત હાઈકોર્ટે મોરબી દુર્ઘટના મામલે પુલ મરામતમાં રહેલી ક્ષતિઓની આલોચના કરીને કેટલાક પ્રશ્નોના જવાબ માગ્યા હતા. જેમાં એવો પ્રશ્ન પણ પૂછ્યો હતો કે, આટલા મહત્ત્વના કામ માટેનો કરાર માત્ર દોઢ પાનાનો કઈ રીતે હોઈ શકે? શું રાજ્ય સરકાર એટલી ઉદાર છે કે ટેન્ડર બહાર પાડ્યા વિના જ એક કંપનીને આટલી મોટી ધરોહર આપી દીધી. કયા આધારે આ પુલને એક એવી કંપની જૂન 2017 પછી ઓપરેટ કરતી હતી, જ્યારે 2008માં કરાયેલો કરાર 2017 પછી રિન્યુ જ કરાયો નહોતો. એની પણ હાઈકોર્ટે નોંધ લીધી હતી.
અદાલતે આ દુર્ઘટનાની સુઓમોટો નોંધ લેતાં છ સરકારી વિભાગો પાસે જવાબ માગ્યા હતા. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી આ કેસની સુનાવણી કરી રહ્યા છે. અત્યારસુધીમાં કરાર કરનારી કંપનીના અમુક કર્મચારીઓની ધરપકડ કરાઈ છે, પરંતુ આ રૂ. 7 કરોડનો કરાર કરનારા ટોચના મેનેજમેન્ટમાંથી કોઈને ઊની આંચ પણ આવી નથી. આ ઉપરાંત કોઈ અધિકારીને આ 150 વર્ષ જૂના પુલની દુર્ઘટના માટે જવાબદાર ઠેરવાયા નથી.
મોરબી દુર્ઘટના કેસમાં સરકારે પોતાનો લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે તેણે વીજળિક ગતિએ બચાવકાર્ય આરંભીને ઘણાના જીવ બચાવ્યા હતા. સરકારી વકીલે ત્યાં સુધી કહ્યું હતું કે અત્યારસુધીમાં નવ લોકોની ધરપકડ કરાઈ છે અને કોઈપણ દોષી જણાશે તો તેની સામે ચોક્કસ પગલાં લેવાશે. હાઈકોર્ટ મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને નિર્દેશ કર્યા હતા કે બેલિફની નિમણૂક કરીને સ્થાનિક સુધરાઈને નોટિસ ફટકારવામાં આવે, કારણ કે હજી પણ આ સમારકામના કરારમાં ઘણી ચોખવટો બાકી છે.