ભુજઃ પંજાબના પ્રસિદ્ધ ગાયક સિધુ મુસેવાલાની જાહેરમાં ઘાતકી હત્યા નિપજાવવામાં સામેલ માનવામાં આવતા શાર્પ શૂટર સંતોષ જાધવ અને તેના સાગરીતની થોડાં દિવસ અગાઉ કચ્છમાંથી ધરપકડ થઈ હતી ત્યારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલએ મુંદરાના બારોઈમાં ભાડાના મકાનમાં રહેતાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના ત્રણ ખૂંખાર સાગરીતોની ધરપકડ કરી લેતાં ચકચાર પ્રસરી છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલએ મુંદરાના બારોઈના ખારી મીઠી રોડ પર ભાડાના મકાનમાં રહેવા આવેલાં કશિશ ઊર્ફે કુલદિપ,અશોક ઊર્ફે ઈલિયાસ ઊર્ફે ફૌઝી અને કેશવકુમાર નામના ત્રણ બિશ્નોઇ ગેંગના ખૂંખાર આરોપીઓને દબોચી લીધા હતા.
ઝડપાયેલાં આરોપીઓ અને ગેંગના સૂત્રધાર લોરેન્સ બિશ્નોઈ,સંદીપ સહિત ગેંગના અન્ય આરોપીઓ સામે ગત ૩૦મી માર્ચના રોજ દિલ્હીની સ્પેશિયલ સેલએ ‘મકોકા’ હેઠળ ગુનો નોંધ્યો હતો. કેટલાંક આરોપી કસ્ટડીમાંથી નાસી છૂટ્યાં બાદ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં ગયાં હતા. સૂત્રધાર લૉરેન્સ બિશ્નોઈ હાલ હાઈ સિક્યોરિટી વચ્ચે દિલ્હીની જેલમાં કેદ રહી દેશ-વિદેશમાં ફેલાયેલી તેની ગેંગનું સંચાલન કરે છે.
સિધુ મુસેવેલાની કરપીણ હત્યા બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલએ બિશ્નોઇ ગેંગના નાસતાં ફરતાં સાગરીતોને ઝડપી લેવા અભિયાન વેગવાન બનાવ્યું હતું. દિલ્હીની પોલીસે મુન્દ્રામાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને પકડવા હાથ ધરેલા અતિ ગોપનીય ઓપરેશન અંગે મુંદરા પોલીસને બાતમી મળી જતાં પીઆઈ એચ.એસ. ત્રિવેદીને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મહિન્દ્રા સ્કોર્પિયો સહિતની બે એસયુવી કારમાં આઠ-નવ જણની ટૂકડી મુંદરામાં ફરી રહી છે અને હોટેલ શિવ નૉટિકામાં રોકાઈ છે. સ્કોર્પિયો કારની નંબર પ્લેટ પરના નંબર ના દેખાય તે માટે ઈરાદાપૂર્વક તેના પર કાદવ નાખેલો છે. જેથી મુંદરા પીઆઈ ત્રિવેદીએ હોટેલ પર જઈ તપાસ કરતાં ત્યાં રોકાયેલાં સ્પેશિયલ સેલના અધિકારીઓએ પોતાની ઓળખ જાહેર કરી તેમના ઓપરેશન અંગેની ટૂંકી વિગત જણાવી હતી.
લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરીત સંતોષ જાધવની કોઠારાના નાગોર પાસેથી ધરપકડ કરી પૂણે ગ્રામ્ય પોલીસ રિમાન્ડ પર તેની પૂછતાછ કરી રહી છે. ૨૩ વર્ષિય સંતોષ જાધવે ૨૯ મેનાં રોજ પંજાબના માનસા જિલ્લામાં સિધુ મુસેવાલાની થાર જીપ પર અંધાધૂંધ ગોળીબાર કરી હત્યા નિપજાવવા અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું, કે તે દિવસે મુંદરા બંદર નજીકની એક હોટેલમાં હતો. પૂણે રૂરલ પોલીસના એસપી અભિનવ દેશમુખના જણાવ્યા અનુસાર સિધુ મુસેવાલાની હત્યાના દિવસે સંતોષ મુંદરા બંદર નજીકની હોટેલમાં રોકાયેલો હતો કે કેમ તે અંગે તપાસ કરવા એક ટીમ કચ્છ ખાતે મોકલી છે.
દરમિયાન, જાધવ અને તેની ગેંગના સાગરીતોએ છ માસ પૂર્વે પૂણેના જુન્નારના નારાયણ ગાંવ પોલીસ મથકની હદમાં રહેતાં ફિલ્ટર વોટર પ્લાન્ટના એક સંચાલક પાસે પચાસ હજાર રૂપિયાની ખંડણી માંગી હોવાનો ગુનો દાખલ થયો છે. પૂણે પોલીસે તે સંદર્ભે જાધવની ગેંગના સ્થાનિક ૬ સાગરીતોની ધરપકડ કર્યા બાદ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે જાધવની ગેંગના એક સાગરીતે જાધવના ઈશારે મધ્યપ્રદેશ જઈ ૧૩ દેશી કટ્ટા મેળવ્યાં હતા જે નારાયણ ગાંવ પોલીસે કબ્જે કર્યાં છે.