Site icon Revoi.in

સસ્તા અનાજના નામે ગરીબોને હલકી કક્ષાનું અનાજ અપાય છે, ભાજપના સાંસદે કરી ફરિયાદ

Social Share

રાજકોટઃ સસ્તા અનાજની યાને રેશનિંગની દુકાનો પર ગરીબ પરિવારોને અપાતુ અનાજ ખૂબ હલકી કક્ષાનું અને સડેલુ હોય છે. ગરીબ પરિવારોની કોઈ ફરિયાદો સાંભળતું નથીં ત્યારે રાજકોટના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ હલકી કક્ષાના અનાજ અંગે કલેકટરને ફરિયાદ કરી હતી. એટલું નહીં તેમણે જુદી જુદી રેશનીંગની દુકાનો પરથી મેળવેલા અનાજના સેમ્પલો પણ કલેક્ટરને આપ્યા હતા. અને આ અંગે તપાસની માગણી કરી હતી.

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજકોટ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. દરમિયાન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ જિલ્લા કલેક્ટરને આપ્યા હતા અને તેમાં હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાથી તપાસ કરવામાં આવે તેવી માગ જિલ્લા કલેકટર સમક્ષ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા  જિલ્લા કલેકટર કચેરી ખાતે પુરવઠા વિભાગની સમીક્ષા બેઠકમાં હાજરી આપી જિલ્લા કલેકટર સમક્ષ અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી સેમ્પલ મેળવી હલકી ગુણવતા વાળા અનાજના જથ્થા મુદ્દે તપાસ કરવા તેમજ ભેળસેળ કરતા શખસો સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે. સરકાર પૂરતું અનાજ આપે છે તો ભેળસેળ ક્યાં થાય છે અને હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાથી એમાં કોની સંડોવણી છે તે અંગે તપાસ કરવા માગ કરી છે. જેમાં સસ્તા અનાજની દુકાનથી આપવામાં આવતા ઘઉં, ચોખા, દાળ, ચણાની ઓછી ગુણવત્તા અને અંદર જીવાત હોવાની ફરિયાદ મળતા સાંસદે  રૂબરૂ બેઠકમાં બધાની હાજરીમાં અધિકારીઓને યોગ્ય તપાસ કરવા કડક સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 અન્વયે સમાવેશ કરવામાં આવેલ રેશનકાર્ડ ધારકો તથા વાજબી ભાવની દુકાનોના સ્થળમાં ફેરફાર કરવા બાબતે જરૂરી સૂચના આપી હતી. નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ ‘વન નેશન વન રેશન કાર્ડ’ વિશે રાજકોટ જિલ્લામાં થતા અનાજ વિતરણની વ્યવસ્થા બાબતે ચર્ચા કરી હતી.  જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રીબેન વંગવાણી દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર યોજના હેઠળ ‘વન નેશન વન રેશન કાર્ડ’ થકી થતા અનાજ વિતરણની વિગતો, વાજબી ભાવની દુકાનના સ્થળ ફેરફારની અરજીઓ સહિતની વિગતો રજૂ કરવામાં આવી હતી.