અમદાવાદઃ મોટેરામાં નવનિર્મિત સ્ટેડિયમમાં આગામી તા. 24મી ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ માટે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ સ્ટેડિયમની ટિકિટનું બુકીંગ શરૂ કરવામાં આવ્યું છે. બુકિંગના પ્રથમ દિવસે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 15 હજાર ટિકિટ બુક થઈ હોવાનું ગુજરાત ક્રિકેટ એસોસિએશને જણાવ્યું છે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, પ્રથમ દિવસે જ ઓનલાઈન 15 હજાર ટિકિટ બુક થઈ છે. જેમાં સૌથી વધારે રૂ. 300 અને 500ની ટિકિટ બુક થઈ છે. આ સ્ટેડિયમમાં 50 ટકાની ક્ષમતા સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. સ્ટેડિયમમાં અલગ અલગ સ્ટેન્ડ મુજબ ટિકિટના દર 300થી 2500 રૂપિયા સુધી રાખવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ એક લાખ દર્શકોની ક્ષમતા ધરાવે છે. આ નવનિર્મિત સ્ટેડિયમમાં પ્રથમવાર ટેસ્ટ રમાવાશે. જેથી ક્રિકેટ પ્રેમીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.