Site icon Revoi.in

અમદાવાદના માણેકચોકના ખાણીપીણી બજારમાં AMCના પાપે ગ્રાહકોને જમીન પર બેસવું પડે છે

Social Share

અમદાવાદઃ શહેરના માણેકચોકમાં આવેલી રાત્રી ખાણીપીણી બજાર સ્વાદના રસિયાઓ માટે જાણીતી છે. શહેરના લોકો નાસ્તાથી લઈને ભોજન માટે પણ મહિનામાં એક કે બેવાર રાત્રી ખાણીપીણી બજારની મુલાકાત લેતા જ હોય છે. માત્ર અમદાવાદના જ નહીં બહારગામના અને વિદેશના લોકો પણ અમદાવાદની મુલાકાત ટાણે માણેકચોકની ખાણીપીણી બજારની મુલાકાત લેવાનું નથી ચુકતા, વિદેશીઓ અને ગુજરાત બહારના પ્રવાસીઓ આ ગલીને શોધતા શોધતા રાતે પહોંચી જાય છે. માણેકચોકનો રાતનો નજારો દરેકને આકર્ષે છે. પરંતુ અમદાવાદના ઈતિહાસમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે, આ ફેમસ ફૂડ સ્ટ્રીટમાં લોકો જમીન પર બેસીને ખાતા જોવા મળી રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશનના  તંત્રના પાપે માણેકચોકમાં આવો નજરો જોવા મળ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદના માણેકચોક ખાણીપીણીના બજારમાં AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા માણેકચોકમાં રસ્તા પર મુકાતા ટેબલ, ખુરશી હટાવી લેવાનો આદેશ કરાયો છે. દબાણ દૂર કરવાના હેતુથી બજારમાં AMC એ આ કાર્યવાહી કરી છે. જેને કારણે ચટાકો માણવા આવેલા લોકો માટે વેપારીઓ દ્વારા નીચે બેસાડીને ખવડાવવાની વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. AMCની કાર્યવાહીને લઈ સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ નિયમો લાગુ કરીને હેરાન કરે છે તેવો વેપારીઓએ આક્ષેપ કર્યો છે. અમદાવાદનું માણેકચોક માર્કેટ અમદાવાદની શાન છે. ત્યારે માણેકચોકની ખાણીપીણી બજારની શાખને ભૂસી નાંખવા મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ પ્રયાસો આદર્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના માણેકચોકમાં છેલ્લા ત્રણ દિવસથી આ સ્થિતિ છે. ત્રણ દિવસથી ટેબલ ખુરશીઓ ગાયબ છે. ત્યારે અહી જમવા આવતા લોકો પણ મૂંઝાયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રસ્તા પર મુકતા ટેબલ ખુરશી હટાવી લેવાનો ફરમાન કરાયો છે. જેથી વેપારીઓએ લોકોને નીચે બેસાડીને જમાડ્યા હતા. લોકો પણ નીચે પાથરેલા પ્લાસ્ટિક પર બેસીને જમવા મજબૂર થયા હતા.  અમદાવાદનું માણેકચોક માર્કેટ એટલે પાઉભાજી, પુલાવ, સેન્ડવીચ, ચાટ માટે ફેમસ. પરંતુ જો આવુ ચાલતુ રહેશે તો શું માણેકચોકમાં લોકો આવશે? આ રીતે તો તેની ઓળખ ભૂંસાઈ જશે.